મુંબઈ ટીબીના કુલ કેસના 36 ટકા સાથે રાજ્યમાં સૌથી મોખરે
મહારાષ્ટ્રમાં ટીબીના કેસોમાં ઘટાડો થયો પણ
2023માં રાજ્યમાં ટીબીના કુલ 2.27 લાખ કેસ નોંધાયા હતા જ્યારે આગલા વર્ષે 2.26 લાખ હતા
મુંબઈ : કેન્દ્ર સરકારના નિક્ષય પોર્ટલમાંથી મળેલા ડેટા મુજબ આગલા વર્ષની સરખામણીએ મહારાષ્ટ્રમાં ટીબીના નોટિફિકેશનોમાં ૩.૬૮ ટકાનો ઘટાડો થયો હતો. રાજ્યમાં ૧લી જાન્યુઆરી, ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ટીબીના ૨.૨૭ લાખ નવા કેસ બન્યા હતા જ્યારે ૨૦૨૨માં આ સંખ્યા ૨.૬૭ લાખ હતી. મુંબઈ ક્ષેત્રમાં સૌથી વધુ ૮૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે પુણે ૧૭ હજાર કેસ સાથે બીજા ક્રમે હતું.
સમગ્ર દેશમાં ટીબીના કેસની બાબતમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે હોવા છતાં ઉત્તર પ્રદેશના ૬.૨૯ લાખ કેસની સરખામણીએ તેની સંખ્યા ઘણી ઓછી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના ટીબી સેવાના ડાયરેક્ટરે જણાવ્યું કે યોગ્ય સારવાર મળી રહે તેના માટે ટીબીના દર્દીઓએ તેમની એચઆઈવી અને ડાયાબીટીસની સ્થિતિથી વાકેફ રહેવું જોઈએ.
રાજ્યમાં ટીબીના નવા કેસમાં ૯૦ ટકા દર્દીઓને તેમના એચઆઈવી અને ડાયાબીટીસની સ્થિતિ વિશે જાણકારી હતી જેનાથી તેમને વ્યાપક સારવાર શક્ય બની હતી. ઉપરાંત રાજ્યએ રક્ષણાત્મક પગલા લઈને સંવેદનશીલ ગણાતા પાંચ વર્ષથી ઓછી વયના બાળકો પૈકી ૬૮ ટકાને ટીબીથી રક્ષણની સારવાર મળે તે સુનિશ્ચિત કર્યું હતું.
જો કે રાજ્યમાં મલ્ટીપલ ડ્રગ-રેઝિસ્ટન્ટ (એમડીઆર)નું જોખમ હજી તોળાઈ રહ્યું છે જેના મહારાષ્ટ્રમાં ગયા વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૬,૯૯૮ કેસ બન્યા હતા. નિષ્ણાંતોએ ગંભીર સ્થિતિની અસરકારક સંભાળ માટે અવરોધ વિના દવા મળતી રહે તેની જરૃરીયાત પર ભાર મુક્યો હતો. ઉપરાંત દર્દીઓ સારવાર ચાલુ રાખે અને સારવારની યોજનાને વળગી રહે તે સુનિશ્ચિત કરવા પરિવહન સમસ્યાના નિરાકરણ માટે પણ અપીલ કરી હતી.