Get The App

મુંબઈથી દુબઈ રૃટનું ટોચના 10 સૌથી વ્યસ્ત ઈન્ટરનેશનલ ફ્લાઈટ રૃટમાં સ્થાન

Updated: Oct 15th, 2022


Google NewsGoogle News
મુંબઈથી દુબઈ રૃટનું ટોચના 10 સૌથી વ્યસ્ત ઈન્ટરનેશનલ ફ્લાઈટ રૃટમાં સ્થાન 1 - image


કોવિડ મહામારી પછી ઝડપી રિકવરી

મુંબઈ-દુબઈ રૃટ  19.70 લાખ પ્રવાસીઓ સાથે 8માં ક્રમે જ્યારે દિલ્હી-દુબઈ રૃટ 10માં ક્રમે

મુંબઈ :  એવિએશન ડેટા ફર્મ ઓએજી દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે  મુંબઈ અને દિલ્હીને દુબઈથી અલગથી જોડતા ભારતના બે આંતરરાષ્ટ્રીય રૃટ સૌથી વ્યસ્ત વૈશ્વિક આંતરરાષ્ટ્રીય રૃટની ટોચના ૧૦ની યાદીમાં સ્થાન પામ્યા છે.

મુંબઈ-દુબઈ રૃટ સપ્ટેમ્બર સુધીના ૧૨ મહિનામાં ૧૯ લાખ ૭૦ હજાર પ્રવાસીઓ સાથે વિશ્વનો આઠમો સૌથી વ્યસ્ત માર્ગ છે જ્યારે દિલ્હી-દુબઈ ૧૮ લાખ ૯૦ હજાર મુસાફરો સાથે ૧૦મા ક્રમે છે.

મધ્ય પૂર્વના અનેક એરપોર્ટ હાલમાં ટોપ ૧૦ લિસ્ટમાં છે જેમાં ટોચના ૧૦ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય રૃટ ધરાવતું દુબઈ અગ્રેસર છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં કોવિડ અગાઉ સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૃટ કુઆલાલમ્પુર અને સિંગાપોર ચાંગી વચ્ચે હતો. હાલ ટોચના ૧૦ની યાદીમાં આવનારો આ એકમાત્ર ઈન્ટ્રા એશિયન રૃટ છે અને તે પાંચમા સ્થાને છે.

ઓએજીના અહેવાલમાં જણાવાયું છે કે ટોચની ૧૦ સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય યાદીમાં બે રૃટ સાથે ભારતની રૃટ ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. આ અહેવાલમાં વિશ્વના સૌથી સ્પર્ધાત્મક રૃટની પણ સમીક્ષા કરાઈ હતી. હાલ ભારતમાંથી બેંગકોક-દિલ્હી રૃટ સૌથી સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય રૃટ છે જેમાં ઓક્ટોબર ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન લગભગ ૨,૭૦૦ ફ્લાઈટમાં ૬ લાખથી વધુ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.

ભારતના પ્રવાસીઓને મધ્ય પૂર્વ અને આગળ લઈ જતી મુંબઈથી દુબઈ વચ્ચેની ત્રણ કલાકની ફ્લાઈટ સાથે એપ્રિલમાં ફરી એકવાર ભારતની બહાર સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૃટ બન્યો હતો. એપ્રિલ અગાઉ જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેશનો માર્ચ ૨૦૨૦થી બે વર્ષ માટે પ્રતિબંધિત હતા ત્યારે દિલ્હી-દુબઈ રૃટની ભારતની બહાર સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૃટ તરીકે સૌથી ઝડપી રિકવરી થઈ હતી.

આ રિકવરી ૨૦૨૦ના અંતથી શરૃ થઈ હતી જ્યારે દિલ્હી-દુબઈ આ વર્ષના ડિસેમ્બરમાં વિશ્વનો બીજા ક્રમનો સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૃટ બન્યો હતો.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ૨૭ માર્ચથી ફરી શરૃ થઈ હતી. એપ્રિલમાં મુંબઈ અને દુબઈ વચ્ચે બે લાખથી વધુ પ્રવાસીઓએ પ્રવાસ કરતા તે વિશ્વનો પાંચમાં ક્રમાંકનો સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૃટ બન્યો હતો જ્યારે દિલ્હી-દુબઈ રૃટ લગભગ બે લાખ સીટ સાથે નવમા ક્રમાંકે રહ્યો હતો. જો કે એપ્રિલની સરખામણીએ મુંબઈ અને દુબઈ વચ્ચે સીટની સંખ્યામાં ઘટાડો થયો છે.

વિશ્વના ૧૦ સૌથી વ્યસ્ત સ્થાનિક રૃટમાં મુંબઈ-દિલ્હી હાલ સાતમાં ક્રમાંકે છે. દસ વ્યસ્ત ડોમેસ્ટીક રૃટમાંથી નવ એશિયા-પેસિફિક વિસ્તારમાં છે. સૌથી વ્યસ્ત ડોમેસ્ટીક એરલાઈન રૃટ દક્ષિણ કોરિયામાં જેજુ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સીઉલ ગિમ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે છે. આ એરપોર્ટ સમગ્ર મહામારી દરમ્યાન પ્રથમ સ્થાને રહ્યું હતું એવી જાણકારી ઓએજીએ આપી.



Google NewsGoogle News