મુંબઇમાં 40 કરોડ રૃપિયા કરતાં મોંઘા ભાવની પ્રોપર્ટીના ભાવોમાં ફુલ ગુલાબી તેજી જામી
મુંબઇમાં ઓગસ્ટ 2024 સુધીમાં કુલ 2200 કરોડ રૃપિયાની સંપત્તિના 21 સોદા
અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટીમાં 2023માં ચોરસ ફૂટ દીઠ 124697 રૃપિયાનો ભાવ આ વર્ષે વધીને ચોરસ ફૂટના 141904 રૃપિયા થયો
મુંબઇ - ૨૦૨૩માં મુંબઇમાં રિઅલ એસ્ટેટના માર્કેટમાં લાલચોળ તેજી જોવા મળી હતી તે હવે ૨૦૨૪માં પણ ચાલુ રહી છે. ૨૦૨૩માં મુંબઇમાં ૧૦૦ કરોડ રૃપિયા કરતાં વધારે મૂલ્યના સોળ સોદા થયા હતા જ્યારે ૨૦૨૪માં અત્યાર સુધીમાં કુલ ૨૨૦૦ કરોડ રૃપિયાની સંપત્તિના ૨૧ સોદા મુંબઇમાં પડયા છે. મુંબઇમાં ખાસ કરીને અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટી ગણાતી ૪૦ કરોડ રૃપિયા કરતાં વધારે કિંમતની સંપત્તિઓમાં ૨૦૨૪માં અત્યાર સુધીમાં બે ટકાનો વધારો જણાયો છે. ૪૦ કરોડ રૃપિયા કરતાં વધારે કિંમતની સંપત્તિને રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટી ગણવામાં આવે છે.ભારતમાં ૨૦૨૪ના પ્રથમ આઠ મહિનામાં મુંબઇ, હૈદરાબાદ, ગુરૃગ્રામ અને બેન્ગાલુરૃમાં થયેલાં આવા ૨૫ સોદાઓનું મૂલ્ય ૨૪૪૩ કરોડ રૃપિયા અંકાયું છે. તેમાંથી ૨૧ સોદા મુંબઇમાં પડયા છે જેનું કુલ મૂલ્ય ૨૨૦૦ કરોડ રૃપિયા જેટલું છે. કુલ ૨૫ સોદાઓ પડયા છે તેમાં ૨૦ સોદા બહુમાળી મકાનોમાં પડયા છે જ્યારે બાકીના પાંચ સોદાઓ બંગલાઓમાં પડયા છે. બહુમાળી ઇમારતોમાં પડેલાં ૨૦ સોદાઓનું મૂલ્ય ૧૬૯૪ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે જ્યારે પાંચ બંગલાઓના સોદાઓનું કુલ મૂલ્ય ૭૪૮ કરોડ રૃપિયા અંકાયું છે.
રિઅલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત એનારોક ગુ્રપના રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં રિઅલ એસ્ટેટના ભાવોમાં ઉછાળો આવવા છતાં મુંબઇમાં લક્ઝરી પ્રોપર્ટીઓના સોદાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. મુંબઇ ભારતમાં સૌથી મોંઘું રિઅલ એસ્ટેટ માર્કેટ ગણાય છે. એનારોક ગુ્રપના ચેરમેન અનુજ પુરીના જણાવ્યા અનુસાર ૨૦૨૩માં કુલ ૬૧ સોદાઓ પડયા હતા ેજેનું એકત્રિત મૂલ્ય ૪૪૫૬ કરોડ રૃપિયા હતું.તેની સામે ૨૦૨૪માં પ્રથમ આઠ મહિનામાં જ દેશના ટોચના પાંચ શહેરોમાં ૨૫ સોદા પડી ચૂક્યા છે, હવે બાકીના ચાર મહિનામાં તહેવારોની મોસમમાં ખરીદી નીકળશે તો આ વર્ષે પણ આવા મોટાં સોદાની સંખ્યા વધશે. ૨૦૨૩માં મુંબઇમાં ૧૦૦ કરોડ રૃપિયા કરતાં વધારે મૂલ્યના ૧૬ સોદા થયા હતા.તાજા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૧૦૦ કરોડ રૃપિયાની સંપત્તિના સોદાઓમાં જગ્યાના ભાવોમાં પ્રથમ આઠ મહિનામાં જ ૧૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૨૦૨૩માં દર ચોરસ ફૂટ દીઠ ૧,૨૪, ૬૯૭ રૃપિયાનો ભાવ પડયો હતો પણ આ વર્ષે તે વધીને ૧,૪૧,૯૦૪ રૃપિયા થયો હોવાનું જણાયું ે છે. ૨૦૨૩માં અલ્ટ્રા લકઝરી પ્રોપર્ટીના કુલ ૬૧ સોદા થયા હતા. જેમાંથી ૫૬ સોદા મુંબઇમાં પડયા હતા. એ જ રીતે આ વર્ષે પ્રથમ આઠ મહિનામાં અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટીમાં થયેલાં કુલ ૨૫ સોદામાંથી ૨૧ સોદા મુંબઇમાં પડયા છે.