મુંબઇના રસ્તાઓ પર હવે નહીં જોવા મળે બે માળની ડબલ ડેકર બસો, છેલ્લી રાઇડનો વીડિયો વાયરલ
નવી દિલ્હી,તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
અંગ્રેજોના સમયથી મુંબઈમાં ચાલતી ડબલ ડેકર બસોની મુસાફરીનો અંત આવી ગયો છે. હવે આ બસને તમે મુંબઈના રસ્તાઓ પર નહીં જોઇ શકો. આ બે માળની બસોની અંતિમ રાઇડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અંગ્રેજો સાલ 1937માં ડબલ ડેકર બસોને ભારતમાં લઈ આવ્યાં હતાં. 1990 સુધીમાં તો મુંબઈમાં આ બસની સંખ્યા આશરે 900 થઈ હતી.
ડબલ ડેકર બસે મરોલ ડેપોથી છેલ્લી સવારી પૂર્ણ કરી હતી. છેલ્લી સવારી 15 સપ્ટેમ્બર સવારે 6:30 વાગ્યે શરૂ થઈ હતી. આ સમય દરમિયાન, તેની છેલ્લી સવારી માટે બસને સુંદર રીતે ગુબ્બારાથી શણગારવામાં આવી હતી.
આ લાલ રંગની બસને છેલ્લી વાર જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે ત્યારે વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે બસ પણ તેની વિદાય પર ઉદાસ છે.
મુંબઈની આ ડબલ ડેકર બસોમાંની એક બસને મુંબઈનાં હોલ ઓફ ફેમમાં મૂકવામાં આવશે. BESTની એક ડીઝલ ડબલ ડેકર બસને શહેરનાં કલ્ચરને દેખાડવા માટે મ્યૂઝિયમ કે, ડિપોમાં રાખવામાં આવશે.
ટ્વીટર પર મુંબઇ હેરિટેઝ પેજ પર અક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે જોઇને દરેક યુઝર જાણે દુખી છે. એક યુઝરે લખ્યું, આ મુંબઈના લોકો માટે માત્ર એક લાગણી છે. જ્યારે બીજાએ લખ્યું, આ બસને બંધ ના કરો, , હું તો બેઠો પણ નથી. જ્યારે ત્રીજા યુઝરે લખ્યું, તે અમારી બાળપણની યાદો પણ સાથે લઈ ગયો.
મહત્વનું છે કે, માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશભરના લાખો લોકોએ ઓપન ડેક ડબલ ડેકર બસોમાંથી મુંબઈનાં લોકપ્રિય સ્થળો નિહાળ્યા છે. તેમના મનમાં પણ આ બસની યાદો તાજા રહેશે.