Get The App

તહેવારો વચ્ચે મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
તહેવારો વચ્ચે મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી 1 - image


Image Source: Twitter

Mumbai Terror Attack Alert: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એક વખત આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકવાદી જોખમને ધ્યાનમાં રાખી એલર્ટ બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ગુપ્તચર એજન્સીએ તેની જાણકારી આપી છે. આ જાણકારી મળ્યા બાદથી જ ખૂણે-ખૂણે પોલીસ ફોર્સ તેહનાત કરવામાં આવી રહી છે. 

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણેગુપ્તચર એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ મુંબઈમાં તમામ ધાર્મિક સ્થળો અને ભીડવાળા સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈમાં જ્યાં ભારે ભીડ હોય તેવા તમામ સ્થળોએ પોલીસ જવાનોની 'મોકડ્રીલ' કરવામાં આવશે. આ ઉપરાંત ડીસીપી પોત-પોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપશે.

ધાર્મિક સ્થળો પર સિક્યોરિટી વધારવાનો નિર્દેશ

સેન્ટ્રલ એજન્સીએ આતંકવાદી હુમલાને લઈને મુંબઈ પોલીસને એલર્ટ કરી દીધી છે. મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. પોલીસ જાહેર અને ધાર્મિક સ્થળો પર વિશેષ ધ્યાન રાખશે. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. પોલીસે કહ્યું કે અમને ભીડભાડ વાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોકડ્રીલ કરવાનો નિર્દેશ મળ્યો છે. શહેરના તમામ ડીસીપી પોત-પોતાના ઝોન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

પોલીસ એક્શનમાં

એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે પોલીસે ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ કરી હતી. આ એ જ વિસ્તાર છે જ્યાં ભારે ભીડ રહેતી હોય છે. અહીં બે પ્રમુખ ધાર્મિક સ્થળ પણ છે. પોલીસે સિક્યોરિટી ડ્રિલના સંદર્ભમાં સત્તાવાર રીતે કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ બધું અચાનક શા માટે કરવામાં આવી રહ્યું છે તે વિશે તેમણે કોઈ માહિતી નહોતી આપી. પોલીસનું કહેવું છે કે આગામી તહેવારો અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ક્રોફર્ડ માર્કેટ અને અન્ય સ્થળોએ મોકડ્રીલ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના તમામ મંદિરોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને સાવચેતીના ભાગરૂપે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિનો રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં નવરાત્રી શરૂ થઈ રહી છે. દરેક જગ્યાએ દુર્ગા પૂજાની ઉજવણી થશે. ત્યારબાદ કરવા ચોથ અને પછી દિવાળી આવશે. આવી સ્થિતિમાં બજારોમાં પણ ઘણી ભીડ રહેશે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આતંકવાદીઓ એવી જ તકની તલાશમાં રહે છે જ્યારે તહેવારોની સિઝનમાં તમામ વ્યસ્ત હોય છે, તેથી પોલીસ પહેલેથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.


Google NewsGoogle News