મુંબઈમાં આ ચોમાસે સરેરાશ 2300 મિ.મિ. શ્રીકાર વરસાદનો સંકેત લા નીના પરિબળ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઘણું સાનુકુળ બનવાની શક્યતા

Updated: May 28th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં આ ચોમાસે સરેરાશ 2300 મિ.મિ. શ્રીકાર વરસાદનો સંકેત લા નીના પરિબળ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઘણું સાનુકુળ બનવાની શક્યતા 1 - image


હવામાન વિભાગનો ભીનો ભીનો વરતારો

 મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની ભરપૂર કૃપા વરસવાની આગાહી 

મુંબઇ :   હવામાન વિભાગે ૨૦૨૪ની વર્ષા ઋતુ(જૂનથી સપ્ટેમ્બર-ચાર મહિના)માં મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં રસતરબોળ વરસવાની શક્યતા છે  એવો  ભીનો ભીનો વરતારો આપ્યો છે.આમ પણ હવામાન વિભાગે  ૨૦૨૪,એપ્રિલમાં તેની લાંબા સમયગાળાની આગાહીમાં એવો સંકેત આપ્યો છે કે આ વરસે ભારતમાં સરેરાશ(૯૬ થી ૧૦૪ ટકા) કરતાં વધુ એટલે કે ૧૦૬ ટકા જેટલી વર્ષા થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળોે છે.      

હવામાન વિભાગે તેની લાંબા સમયગાળાની આ આગાહીમાં પશ્ચિમ ભારત(મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન)માં પણ ભરપૂર વરસાદનો સાનુકુળ સંકેત  આપ્યો છે.

આમ પણ મહારાષ્ટ્રમાં કોંકણપટ્ટીનો વિશાળ સમુદ્ર કિનારો (મુંબઇ,થાણે, પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ) હોવાથી પરંપરાગત રીતે  દર વરસે દરિયાકાંઠાનાં તમામ સ્થળોએ ભરપૂર વરસાદ વરસે છે.

બીજીબાજુ મહારાષ્ટ્રનાં બે ગિરિ મથકો, માથેરાનમાં અને મહાબળેશ્વરમાં પણ શ્રીકાર વર્ષા થાય છે. 

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ  ગુજરાત સમાચારને એવી વિશેષ માહિતી આપી  છે કે પરંપરાગત રીતે  દર ચોમાસામાં મુંબઇમાં લગભગ ૨,૩૦૦ મિલિમીટર(૯૨ ઇંચ) જેટલો સરેરાશ વરસાદ વરસે છે. હવે હવામાન વિભાગે ૨૦૨૪ની વર્ષા ઋતુમાં સરેરાશ કરતાં વધુ વર્ષા થવાનો સંકેત આપ્યો છે ત્યારે મુંબઇમાં આ વરસના ચોમાસામાં ૨,૩૦૦ મિ.મિ. કરતાં પણ વધુ વરસાદ વરસે તેવી સંભાવના ખરી. 

ભારતના ચોમાસા માટે  પરંપરાગત રીતે લા નીના(પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોને અલ નીનો, જ્યારે ઠંડા પ્રવાહોને લા નીના કહેવાય છે) પરિબળ પણ ચોમાસાની મધ્યમાં એટલે કે ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં ઘણું સાનુકુળ બની રહે તેવી પણ પૂરી સંભાવના છે. ભારતમાં લા નીના પરિબળ સાનુકુળ હોય ત્યારે રસતરબોળ વરસાદ વરસે છે.જોકે અલ નીનો પરિબળની અસર હોય ત્યારે ઓછી વર્ષા થાય છે.  

ભૂતકાળમાં  જોકે  મુંબઇમાં  ચોમાસાના ચાર મહિના દરમિયાન  ૧૦૦ ઇંચ જેટલો રસતરબોળ વરસાદ વરસ્યો છે. સાથોસાથ કોંકણનાં સમુદ્ર કિનારાનાં થાણે,પાલઘર સહિત રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં તો દર વર્ષા ઋતુમાં સરેરાશ ૧૫૦ ઇંચ કરતાં પણ વધુ શ્રીકાર વર્ષા થાય છે.વળી, રાજ્યનાં બંને ગિરિ મથકો(પ્રવાસ-પર્યટન સ્થળો) માથેરાનમાં અને મહાબળેશ્વરમાં પણ દર વર્ષા ઋતુમાં સરેરાશ ૨૦૦ ઇંચ કરતાં પણ વધુ વર્ષા થાય છે.

ભારત હવામાન વિભાગે ૨૦૨૪ની વર્ષા ઋતુની લાંબાગાળાના  વરતારામાં મુંબઇ  સહિત આખા મહારાષ્ટ્ર,ગુજરાત,રાજસ્થાન વગેરે માટે ભરપૂર વરસાદના ખુશ ખબર  છે.આ ત્રણેય રાજ્યો પર મેઘરાજાની ભરપૂર કૃપા વરસે તેવો ભીનો ભીનો વરતારો છે.

  હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.મૃત્યુંજય  મોહપાત્રે   નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદ(૧૫,એપ્રિલ)માં ૨૦૨૪ના ચોમાસાની લાંબાગાળાની આગાહી કરતાં એવો સંકેત આપ્યો  છે કે મહારાષ્ટ્ર સહિત ગુજરાત,રાજસ્થાનમાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદ વરસે તેવાં તમામ કુદરતી પરિબળો સાનુકુળ  છે.એટલે કે  ૨૦૨૪ના ચોમાસામાં મહારાષ્ટ્રમાં લગભગ ૬૧ ટકા જેટલી વર્ષા થાય  તેવો વરતારો હવામાન વિભાગે આપ્યો છે. 

હવામાન વિભાગે ૨૦૨૪ના ચોમાસા માટે સરેરાશ કરતાં પણ વધુ એટલે કે ૧૦૬ ટકા વરસાદનો સંકેત આપ્યો છે. આમ છતાં ચોમાસાના ચાર મહિના દરમિયાન નૈઋત્યના ભેજવાળા પવનો, તેની દિશા, ગતિ, વરસાદી વાદળાં,હવાના હળવા દબાણનો પટ્ટો, સાયક્લોનિક સર્ક્યુલેશન,અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) વગેરે કુદરતી પરિબળો ક્યારે સર્જાય અને તેની કેટલી અસર થાય તેની કોઇ જ આગાહી ન થઇ શકે. હવામાનમાં  ક્યારે અને કેવા ફેરફાર થાય તે  સચોટ રીતે  કહી ન શકાય.

હા, હવામાન વિભાગ  સચોટ આગાહી માટે ઇસરોના સેટેલાઇટ, વેધર રાડાર, ઓટોમેટિક વેધર સ્ટેશન, આંતરરાષ્ટ્રીય  સ્તરનાં વેધર મોડલ્સ વગેરે આધુનિક યંત્રણાનો પણ ઉપયોગ કરે છે.  



Google NewsGoogle News