મુંબઈ શહેર માત્ર વરસાદથી જ થંભી શકે છે, પણ માયાનગરી વારંવાર પાણીમાં ડૂબી કેમ જાય છે?
ચોવીસે કલાક ગતિમાન રહેતી દેશની આર્થિક રાજધાની મુંબઈની દોડ પર બ્રેક મારવાની ક્ષમતા એકમાત્ર વરસાદ પાસે જ છે. દર વર્ષે ચોમાસામાં મુંબઈ જળમગ્ન થઈ જવાની ઘટનાઓ બને છે, વારંવાર બને છે. રેલવે ટ્રેક પર ભરાઈ જતાં પાણીને કારણે મુંબઈની ટ્રેનોના પૈડાં થંભી જાય છે જેને કારણે શહેરને કરોડોનું નુકશાન થાય છે. રમકડાંની જેમ પાણી પર તરતી કાર, ડૂબી ગયેલા રહેણાંક વિસ્તારો અને પાટા પરથી ઉતરી જતું જનજીવન જાણે કે મુંબઈની ચોમાસુ તાસીર બની ગઈ છે.
આ વર્ષે પણ વરસાદે મુંબઈમાં માઝા મૂકી છે. પાણી ભરાવાને કારણે માત્ર ટ્રેનો જ રદ્દ થઈ નથી, ઘણી એરલાઈન્સનું કામ પણ ખોરવાયું છે. વરસાદી વાતાવરણમાંથી મુંબઈને હાલમાં તો રાહત મળવાની નથી, એવી હવામાન ખાતાની આગાહી છે. દર વર્ષે આ જ સ્થિતિ સર્જાતી હોય ત્યારે પ્રશ્ન એ થાય કે એવા તો કયા કારણસર મુંબઈ વરસાદના પાણીમાં ડૂબી જાય છે? ચાલો જાણીએ એની પાછળના કારણો.
મુંબઈની ભૌગોલિક સ્થિતિ
મુંબઈની પશ્ચિમે અરબ સાગર છે અને શહેર સોંસરવી મીઠી, દહિસર, ઓશિવરા અને પોયસર એમ ચાર નદીઓ વહે છે. ઉપરાંત વસઈની ખાડી જેવી ખાડીઓ પણ ઘણીબધી છે. મુંબઈ મૂળ તો સાત ટાપુઓમાં વિભાજિત હતું. ટાપુઓ વચ્ચેની જમીન પૂરીને અને અરબ સાગર પર પણ ‘ચઢાઈ’ કરીને શહેર માટે જમીન ‘પેદા’ કરાઈ અને એના પર ફૂલીફાલી આ મનોરંજન નગરી.
સમસ્યાના મૂળમાં છે શહેરની ભૌગોલિક સ્થિતિ
પાણી પૂરીને જમીન તો હસ્તગત કરી લેવાઈ પણ એમ કંઈ કુદરત પોતાનો હક છોડે કે? દરિયા કિનારે વસેલા મુંબઈનો ઘણોખરો વિસ્તાર નીચો છે. શહેર લગભગ સપાટ છે, એમ કહો તો પણ ચાલે. પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી નદીઓ વરસાદ શરૂ થતાં જ છલકાઈ ઊઠે છે અને પશ્ચિમે અરબ સાગર પણ વરસાદી પાણી પીને ધરાઈ ગયો હોવાથી ચોમાસુ પાણીનો નિકાલ થતો નથી. એમાંય દરિયામાં ભરતી હોય ત્યારે તો નદીઓ ઓવરફ્લો થઈ જ જાય છે અને શહેરમાં પાણી ફરી વળે છે. સાયન, અંધેરી અને ખાર જેવા નીચાણવાળા વિસ્તારો થોડા જ કલાકોના વરસાદમાં ડૂબી જાય છે. ઉદાહરણરૂપે મીઠી નદીની વાત કરીએ તો, વિહાર લેકથી શરૂ થઈને પવઈ, સાકીનાકા, કુર્લા, કાલીના, વાકોલા, બાંદ્રા-કુર્લા, ધારાવી સોંસરવી થઈને માહિમની ખાડીમાં ભળી જતી એ નદી ઘણા સ્થળોએ માત્ર 10 જ મીટરની પહોળાઈ ધરાવે છે. જેને કારણે થોડા વરસાદમાં પણ એ ઉભરાઈ થઈ જતી હોય છે અને એના પાણી આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં હોય છે.
એક કારણ અતિક્રમણ પણ છે
ભવિષ્ય ઉજળું કરવાને ઈરાદે દેશભરમાંથી દરરોજ હજારો-લાખો લોકો સપનાની નગરીમાં ઠલવાતા હોય છે. ઓલરેડી બે કરોડ કરતાં વધુની વસતી ધરાવતા મહાનગરમાં સતત વસતીવધારો થતો જ રહે છે. જેને થાળે પાડવા માટે ઝૂંપડપટ્ટી વિસ્તારો વધતા જ જાય છે. જનસંખ્યાના બોજ થકી બેવડ વળી ગયેલા મુંબઈમાં નવી વસતીને સમાવવા માટે આડેધડ મકાનો તાણી બાંધવામાં આવે છે, પણ આવા વિસ્તારોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ કારણસર પણ સહેજ અમસ્તા વરસાદમાં મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.
ગટર વ્યવસ્થા પણ કારણભૂત બને છે
શહેરની ગટર વ્યવસ્થા એવી છે કે પાણી ગટરમાં થઈને દરિયામાં ઠલવાતું રહે છે, પરંતુ ભારે વરસાદ દરમિયાન જ્યારે દરિયાનું સ્તર વધે છે ત્યારે ડ્રેનેજ સિસ્ટમ અવરોધાય છે. દરિયાનું પાણી ગટરમાં બેક મારીને શહેરમાં ફરી ન વળે એ માટે ગટરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. પાણી ઓસર્યા પછી આ સિસ્ટમને કામ પર પાછા ફરવામાં લગભગ 6 કલાક લાગે છે. માટે એટલા સમયગાળા દરમિયાન શહેર પાણીથી ભરેલું રહે છે. ભારતના મોટાભાગના શહેરોમાં વરસાદનું અડધાથી વધુ પાણી જમીનમાં સમાઈ જતું હોય છે, જ્યારે મુંબઈમાં લગભગ 90 ટકા વરસાદી પાણી ગટર દ્વારા દરિયામાં ભળે છે. જેને કારણે ડ્રેનેજ સિસ્ટમ પર ઘણો બોજ પડે છે.
બે દાયકા પહેલાની એ વરસાદી દુર્ઘટના
જુલાઈ 2002માં મુંબઈમાં અતિશય વરસાદને કારણે બહુ મોટું નુકસાન થયું હતું. 26 જુલાઈના રોજ 24 કલાકમાં 900 મિલિમીટરથી વધુ વરસાદ પડ્યો હતો. આખા જુલાઈમાં પડે એટલો વરસાદ એક જ દિવસે ખાબકી પડ્યો હતો, જેને કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. વિજળી ઠપ્પ થઈ ગઈ હતી. રસ્તા, રેલ અને વિમાનો થંભી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી 1094 લોકોના મોત થયા હતા. શહેરને અંદાજે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એ દુર્ઘટના પછી મુંબઈ માટે નવીનતમ આયોજન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
શું છે આયોજન? સમસ્યાનો ઉકેલ મળશે?
જાપાનના 3.5 કરોડથી વધુ વસ્તી ધરાવતા ટોક્યો શહેર પર પણ મુંબઈની જેમ પૂરનું જોખમ હંમેશાં રહે છે. એ સમસ્યાના ઉકેલરૂપે જાપાને ભૂગર્ભ ચેનલ બનાવી છે. પૂરનું પાણી અથવા દરિયાનું વધારાનું પાણી એ ચેનલમાં પડે છે, અને જ્યાંથી તેને પંપ દ્વારા ઈડો નદીમાં છોડવામાં આવે છે. જાપાનની જે કંપનીએ ત્યાં આ પ્રોજેક્ટ પાર પાડ્યો છે એ કંપનીને સાધીને મુંબઈ માટે પણ એવો જ તોડ કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. એમાં મુંબઈની નદીઓને જોડીને એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે જેથી ઓવરફ્લો થવાની સ્થિતિમાં પાણી અન્ય જગ્યાએ એકઠું થઈ જાય અને પછી તેનો ઉપયોગ કરી શકાય.
એક ઔર ઉપાય
મુંબઈને ‘સ્પોન્જ સિટી’ની જેમ વિકસાવવાની શક્યતા પણ ચકાસાઈ રહી છે. સ્પોન્જ સિટી એટલે એવું શહેર જેમાં પાણી પડતાં જ જમીનમાં ઉતરી જાય. મોટાભાગના શહેરોમાં જ્યાં ને ત્યાં પેવર બ્લોક લગાવીને જમીનને બ્લોક કરી દેવામાં આવતી હોય છે, જેને લીધે પાણી જમીનમાં ઉતરી શકતું નથી. ભેગું થઈને રહેણાંક વિસ્તારોને ડૂબાડે છે. એવા પાણીને પછી ગટરમાં ઉતારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સ્પોન્જ સિટીમાં ઘણા તળાવ બનાવવામાં આવે છે અને પુષ્કળ હરિયાળી ઉગાડવામાં આવે છે. વનસ્પતિ અને ઘાસ પર પડતું પાણી જમીનમાં આસાનીથી ઉતરી જતાં ગટર સિસ્ટમ પર ઓછો બોજ આવે છે અને પૂરની સ્થિતિ સર્જાતી નથી. ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ શહેર દુનિયાનું સૌથી સારું ‘સ્પોન્જ સિટી’ ગણાય છે.
મુંબઈના નસીબમાં કેવો ઉપાય લખેલો છે અને એ ઉપાય કેટલોક કારગર સાબિત થશે એ તો સમય આવ્યે ખબર પડશે.