Get The App

મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટમાં 15 કોલ પછી જવાબ મળે છેે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટમાં 15 કોલ પછી જવાબ મળે છેે 1 - image


સરેરાશ ચારમાંથી એક કોલનો જવાબ અપાય છે         

22 જ કર્મચારીઓનો સ્ટાફ અને ટાંચા સાધનોઃ અનેક ફરિયાદો બાદ હવે સ્ટાફ વધારીને 44 કરવા નિર્ણય

મુંબઇ :  સાયબર ક્રાઈમ સામે ઝુંબેશની મોટી મોટી વાતો વચ્ચે મુંબઈ પોલીસ પાસે સાયબર ક્રાઈમને લગતી ફરિયાદોના નિકાલ માટે પૂરતો સ્ટાફ જ નથી. છેલ્લા બે માસમાં મુંબઈ પોલીસ દર ચારમાંથી સરેરાશ એક કોલનો જવાબ આપી શકી હતી. કોઈપણ કોલરને સાયબર ક્રાઈમનો સંપર્ક કરવામાં સરેરાશ ૧૫ કોલ લગાડવા પડતા હોય તેવી હાલત છે. જોકે, આ બાબતે ફરિયાદો વધતાં હવે અહીં સ્ટાફ વધારીને ૨૨થી ૪૪ કરવા તથા અન્ય સુવિધા વધારવા નિર્ણય લેવાયો છે. 

 નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ડેસ્ક ૧૯૩૦ પર પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી સાયબર ગુનાનો ભોગ બનેલી વ્યક્તિઓને ગુનાની ઓનલાઇન નોંધણી કરાવવામાં પોલીસ સહાય મેળવવા સંઘર્ષ કરવો પડે છે. સાયબર ક્રાઇમ કન્ટ્રોલ રૃમમાં પાયાની સુવિધાઓના અભાવને કારણે સાયબર ગુનાના ભોગ બનેલા વ્યક્તિએ ફરિયાદ નોંધાવવા માટે સરેરાશ પંદરવાર પ્રયાસ કરવા પડે છે. ઓગસ્ટ અને ઓક્ટોબર દરમ્યાન સાયબર પોલીસ ચારમાંથી માત્ર એક જ કોલનો જવાબ આપી શકી હતી. 

આ હેલ્પલાઇન માટે હાલ બે પાળીમાં બાવીસ પોલીસ કર્મચારીઓ કામ કરે છે. ડેટા અનુસાર ઓનલાઇન ફરિયાદ નોંધવામાં આશરે વીસ મિનિટનો સમય લાગે છે. સાયબર ગુનો આચરવામાં આવે તેના પ્રથમ બે કલાકના ગોલ્ડન અવર્સમાં ફરિયાદ કરવામાં આવે તો તેમાં ૭૦થી ૮૦ ટકા સફળતા મળે છે પણ જો ફરિયાદ મોડી થાય તો આ સફળતાનો દર ઘટીને પંદરથી વીસ ટકા થઇ જાય છે. આ હેલ્પલાઇનનું સંચાલન કરતી ક્રાઇમ બ્રાંચ દ્વારા રાજ્યના ગૃહ વિભાગને વધારાના કર્મચારીઓ આપવા માટે વારંવાર રજૂઆત કરાઇ હતી જેને પગલે હવે વધારાના બાવીસ કર્મચારીઓની સંખ્યા મંજૂર કરવામાં આવી  છે. સપ્ટેમ્બરમાં હેલ્પલાઇન પર આવેલાં  કુલ ૮૪૮૬ કોલમાંથી ૨૯૦૦ કોલ શહેરની બહાર નવી મુંબઇ, થાણે, વિરાર અને અન્ય એમએમઆર વિસ્તારમાંથી આવ્યા હતા. 

આ હેલ્પલાઇનનો ઉદ્દેશ સાયબર ક્રાઇમનો ભોગ બનેલાંઓને સમયસર સહાય કરી સાયબર ગુનેગારો સામે જરૃરી સમયસર પગલાં ભરવાનો  છે. એક સંશોધન અનુસાર જાન્યુઆરી ૨૦૨૦ થી  જુન ૨૦૨૩ દરમ્યાન નોંધાયેલા વિવિધ પ્રકારના સાયબર ગુનામાં  ઓનલાઇન નાણાંકીય છેતરપિંડીનો હિસ્સો ૭૭.૪૧ ટકા હતો.  



Google NewsGoogle News