Get The App

લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવવા મુંબઈ પોલીસની કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ ધા

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવવા મુંબઈ પોલીસની કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ ધા 1 - image


સિદ્દિકી હત્યાકાંડમાં  લોરેન્સની પૂછપરછ  કરવી પડે તેમ છે

ગૃહ મંત્રાલયે ગેન્ગસ્ટરને અમદાવાદથી ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી  મુંબઈ પોલીસ લાચાર

મુંબઈ :   મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં થયેલી હત્યાએ ખળભળાટ મચાવી દીધો છે. સિદ્દીકીની હત્યામાં પ્રખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો હાથ હોવાનું બહાર આવતા મુંબઈ પોલીસ આ કેસમાં વધુ પૂછપરછ માટે બિશ્નોઈની કસ્ટડી મેળવવા માગે છે. જોકે ગૃહમંત્રાલે ગેન્ગ સ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી પોલીસના હાથ બંધાયેલા છે. આ સ્થિતિ વચ્ચે મુંબઈ પોલીસની એક ટીમે  ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. 

આ સપ્તાહની શરૃઆતમાં યોજાયેલી વાતચીત દરમિયાન ગૃહમંત્રાલયના અધિકારીઓએ મુંબઈ પોલીસને ખાતરી આપી હતી કે તેઓ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી સોંપવાની વિનંતી પર વિચાર કરાશે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરના સાંજે મુંબઈના બાંદરા પૂર્વમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની નિર્મલનગર વિસ્તારમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ બહાર ગોલી મારીને હત્યા કરવામાં આવી હતી.

સિદ્દીકીની હત્યા પ્રકરણે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણમાંથી બે શૂટરો-હરિયાણાના કરનૈલસિંહ અને યુપીના ધર્મરાજ કશ્યપે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ સાથે તેમના સંબંધો હોવાનો દાવો કર્યો હતો. પોલીસે આ કાવતરામાં શૂટરોને સામેલ કરનાર સહ-કાવતરાખોર પ્રવીણ લોનકરની પણ ધરપકડ કરી છે. ગુજરાતની સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ આ પહેલા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારની ઘટનામાં પણ સામે આવ્યું હતું. બાદમાં મુંબઈ પોલીસે તેની કસ્ટડી મેળવવા ઘમા પ્રયાસો કર્યા હતા જેને સફળતા મળી નહોતી.

મુંબઈ પોલીસને બિશ્નોઈની કસ્ટડી મળતી નથી તેના પાછલનું મુખ્ય કારણ કેન્દ્રીય ગૃહમંત્રાલયનો એ આદેશ છે. જે ગેન્ગસ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાંથી અન્યત્રે ખસેડવા પર પ્રતિબંધ મૂકે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૨૬૮(૧) હેઠળ જારી કરાયેલા આ નિર્દેશ, કાયદો અને વ્યવસ્થા સામે જોખમ ઊભું કરી શકે તેવી સ્થિતિમાં હાઇ-પ્રોફાઇલ કેદીઓની હિલચાલને પ્રતિબંધિત કરવાની સરકારને સત્તા આપે છે. શરૃઆતમાં ઓગસ્ટ, ૨૦૨૪માં આ પ્રતિબંધ સમાપ્ત તવાનો હતો, પણ આ ઓર્ડર હવે લંબાવવામાં આવ્યો છે.



Google NewsGoogle News