મુંબઈ મહાપાલિકાનું અધધ.. 74427.41 કરોડનું મેગા બજેટઃ ઈન્ફ્રા પર ફોક્સ
ચૂંટણીને લીધે કોઈ નવા વેરા નહિ, પણ ઘરેઘરથી એકઠા કરાતા કચરા માટે અલગ ચાર્જ લેવાની શક્યતા ચકાસવા દરખાસ્ત
દરેક ઘરમાંથી એકત્ર કરાતા સોલીડ વેસ્ટ માટે અલગથી ચાર્જ લેવાની દરખાસ્ત ચકાસાશેઃ સ્લમમાં કમર્શિઅલ ગતિવિધિઓ માટે પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરો વસૂલાશે
ઈન્ફ્રા પ્રોજેક્ટનો ખર્ચો કાઢવા ડિપોઝિટો તોડાશે, બજેટના ૫૮ ટકા વિકાસ કાર્યો માટે અને ૪૨ ટકા વહીવટી ખર્ચ પાછળ ખર્ચાશે તેવો દાવો
મુંબઈ - મુંબઈ મહાપાલિકાનું ૭૪,૪૨૭.૪૧ કરોડનં બજેટ આજે મહાપાલિકા કમિશનર તથા એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ રજૂ કર્યું છે. બજેટમાં ૬૦.૬૫ કરોડની પુરાંત દર્શાવાઈ છે. જોકે, ઉત્તરીય પરાંનાં દરિયા કાંઠાના કોસ્ટલ રોડ, મુલુંડ ગોરેગાંવ લિંક રોડ તથા ઓરેન્જ ગેટ મરીન ડ્રાઈવ લિંક રોડ સહિતના ઈન્ફ્રા પ્રોજેક્ટસ પર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે અને તે માટે મહાપાલિકાની ડિપોઝિટમાંથી ઉપાડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આગામી મહિનાઓમાં મહાપાલિકાની ચૂંટણી થવાની હોવાથી શહેરીજનો પર કોઈ નવો વેરો લદાયો નથી કે વર્તમાન વેરામાં કોઈ વધારો સૂચવાયો નથી. પરંતુ, સ્લમ્સમાં કમર્શિઅલ ગતિવિધિ થતી હોય તો પ્રોપર્ટી ટેક્સ લેવાની દરખાસ્ત કરાઈ છે. બજેટમાં શહેરના નાગરિકો માટે સૌથી ચર્ચાસ્પદ દરખાસ્ત ઘરે ઘરેથી એકત્ર કરાતા કચરા માટે અલગ ચાર્જ લેવાની છે. જોકે, આ ચાર્જ મહાપાલિકા લઈ શકે કે કેમ તે માટે કાનૂની અભિપ્રાય મેળવાશે અને તે પછી તેનો અમલ કરાશે.
મહાપાલિકામાં છેલ્લાં ત્રણ વર્ષથી ચૂંટણી થઈ નથી. આથી એડમિનિસ્ટ્રેટર દ્વારા રજૂ કરાયું હોય તેવું આ ત્રીજું બજેટ છે. દેખીતી રીતે જ રાજ્યની શાસક મહાયુતિના રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે.
મહાપાલિકાએ બજેટ તૈયાર કરતી વખતે મુંબઈની જનતા પાસે સૂચનો મગાવ્યા હતા. એમાંથી લગભગ ૨૩૦૦ કરતાં વધુ સૂચનો મળ્યા તેમાંથી અનેક સૂચનોને આવરી લીધા હોવાનો દાવો કમિશનરે કર્યા હતા.
ગયાં વર્ષે ૬૫૧૮૦.૭૯ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. આ વખતે રૃ. ૭૪૪૨૭.૪૧ કરોડનું બજેટ રજૂ થયું છે. આમ બજેટનું કદન ૧૪.૧૯ ટકા વધ્યું છે. હે ગત વર્ષની સરખામણીમાં રૃ.૯૨૪૬.૬૨ વધુ નું બજેટ રજૂ કરાયું છે.
પ્રસ્તાવિત રૃ. ૭૪૪૨૭.૪૭ કરોડ બજેટના ૫૮ ટકા વિવિધ વિકાસના કામ પાછળ એટલે કે રૃ. ૪૩૧૬૨.૨૩ કરોડ મૂડી ખર્ચ માટે ફાળવ્યા છે. જ્યારે ૪૨ ટકા એટલે કે ૩૧,૨૬૮.૧૮ કરોડ પ્રશાસકીય ખર્ચમાં થશે.
પાલિકાની મહેસૂલ આવક રૃ. ૪૩,૯૫૯.૪૦ કરોડ છે. જેમાં જીએસટી લાગુ થતા સરકાર જકાત પેટે નુકસાની તરીકે રૃ. ૧૪,૩૯૮.૧૬ કરોડ, ડેવલપમેન્ટ પ્લાન તરફથી રૃ. ૯૭૦૦.૦૦ કરોડ, મિલકતવેરા પેટે રૃ. ૫૨૦૦ કરોડ, પાણી અને સિવરેજ ટેક્સ થકી રૃ. ૨૩૬૩.૧૫ કરોડ, ફિક્સ ડિપોઝિટના વ્યાજ રૃ. ૨૨૮૩.૮૯ કરોડ, સુપરવિજ ચાર્જ પેટે રૃ. ૨૧૩૦.૧૭ કરોડ, રાજ્ય સરકારની ગ્રાન્ટ પેટે રૃ. ૧૩૨૫.૦૭ કરોડ, રસ્તા અને પુલથી રૃ. ૫૩૨.૪૩ કરોડ, ફાયર બ્રિગેડ પાસેથી રૃ. ૭૫૯.૯૮ કરોડ, હોસ્પિટલ અને કોલેજથી રૃ. ૩૯૬.૦૪ કરોડ, લાઇસન્સ થકી રૃ. ૩૬૨.૦૦ કરોડ તથા અન્ય આવક પેટે રૃ. ૪૫૦૯.૩૧ કરોડ પ્રાપ્ત થશે, એમ પાલિકા કમિશનરે જણાવ્યું હતું.
પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે આ બજેટ મુંબઈના નાગરિકોના સપના અને અપેક્ષાઓનું પ્રતિબિંબ કરે છે. પ્રોપર્ટી ટેક્સ અને વોટર ટેક્સમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી.
પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાંથી કાર્યરત કમર્સિયલ ઝૂંપડા પર પ્રોપર્ટી ટેક્સ વસુલવાનો નિર્ણય લીધો છે. જે વધારાની આવકમાં ૩૫૦ કરોડ રૃપિયા મળશે.
ગગરાણીએ વધુમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮થી પાલિકા સતત તેના મહેસૂલ ખર્ચને ૭૫ ટકાથી ઘટાડીને ૪૨ ટકા કર્યો છે. જ્યારે વિવિધ વિકાસ પાછળ મૂડીખર્ચ પચ્ચીસ ટકાથી વધારીને ૫૮ ટકા પહોંચાડી દીધો છે.