દેશનાં 8 રાજ્યો કરતાં મુંબઇ મહાનગર પાલિકાનું બજેટ મોટુ
પાલિક પાસે ૮૩ હજાર કરોડની ડિપોઝિટ
જંગી બજેટના કારણે રાજકીય પક્ષોમાં મુંબઈ પાલિકાનું સુકાન મેળવવા હોડ
મુંબઈ - મુંબઇ મહાનગર પાલિકા દેશની સૌથી શ્રીમંત પાલિકા છે, તેનું બજેટ ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, સિક્કીમ અને ગોવા કરતાં પણ મોટું છે. આથી તમામ રાજકીય પક્ષો પાલિકામાં સત્તા મેળવવા પ્રયાસ કરે છે. મુંબઇ મહાનગર પાલિકા લગભગ ૮૩ હજાર કરોડ રૃપિયા બેંકમાં ફિક્સ ડિપોઝીટ ધરાવે છે.
દેશની આર્થિક રાજધાની ધરાવતી મુંબઇની પાલિકાના કમિશનરે આજે રૃા.૭૪૪૨૭.૪૧ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ જંગી બજેટના કારણે આગામી ચૂંટણીમાં મુંબઇમાં સત્તાની ચાવી મેળવવા તમામ રાજકીય પક્ષો વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. ૩૦ વર્ષ સુધી આ મહાનગર પાલિકામાં અવિભાજિત શિવસેના અને ભાજપ યુતિનું શાસન હતું. પરંતુ વર્ષ માર્ચ ૨૦૨૨માં મુંબઇ મહાનગર પાલિકાના જન પ્રતિનિધિઓની મુદત પૂરી થયા બાદ ચૂંટણી યોજાઇ નથી. હવે શિવસેના-ભાજપની યુતિ તૂટી ગઇ છે. શિવસેનાનું પણ વિભાજન થતાં હવે બન્ને શિવસેના અને ભાજપ એમ ત્રિપાંખિયો જંગં જામવાના અણસાર છે.