મુંબઈ પાણી-પાણી, 6 કલાકમાં 12 ઈંચ વરસાદ, ટ્રેન-બસ-વાહનવ્યવહાર ઠપ, શાળાઓમાં રજા જાહેર
Image : Representative From IANS |
Mumbai Rain | દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડતાં હાલત દયનીય થઈ ગઇ છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે અને વાહનવ્યહારને પણ માઠી અસર થઇ છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આટલું જ નહીં મુંબઈના અનેક મુખ્ય રેલવે સ્ટેશનોએ પણ પાટા ડૂબી ગયા હતા જેના પગલે ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી. લગભગ 6 કલાકના સમયગાળામાં જ 11થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.
રેલવેએ જાહેર કર્યું નિવેદન
મુંબઈ રેલવે તરફથી વરસાદને પગલે નિવેદન જાહેર કરવામાં આવ્યું. મુંબઈ ડિવિઝનની અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. રદ કરાયેલી ટ્રેનોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં લગભગ પાંચ જેટલી ટ્રેનનો સમાવેશ થતો હતો. મોટાભાગની પૂણે-મુંબઈ રૂટ પર ચાલતી ટ્રેનો તેમાં સામેલ છે.
બસોના રુટ પર બદલવા પડ્યાં
આ ઉપરાંત ભારે વરસાદને કારણે બસોની અવર-જવરને પણ અસર થઇ. અનેક બસના રુટ બદલવાની ફરજ પડી હતી. જ્યારે ઉપ નગરીય અને હાર્બર લાઈન પર ભારે વરસાદથી પાણી ભરાઈ જવાથી રેલવેની અવર-જવરને માઠી અસર થઈ. વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, કુર્લા વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. એકાએક વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મુંબઈકરો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
6 કલાકમાં 300 મિમી વરસાદ
ખરેખર મુંબઈમાં ગત રાતે 1 વાગ્યે વરસાદ તૂટી પડ્યો હતો અને 6 જ કલાકના ગાળામાં 300 મિમી (11થી 12 ઈંચ જેટલો ) વરસાદ પડતાં દરેક જગ્યાએ પાણી પાણી કરી નાખ્યું હતું. બીએમસીના જણાવ્યાનુસાર નીચાણ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએમસીએ તેના હસ્તક આવતી તમામ બીએમસી, સરકારી અને ખાનગી સ્કૂલો તથા કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજાઓની જાહેરાત કરી દીધી હતી.