યુવકે ગર્લફ્રેન્ડ માટે રેઈનકોટ ફેંક્યો, પછી થઈ ગયો એવો કાંડ કે થંભી ગઈ લોકલ ટ્રેનો
Mumbai Local Train: મુંબઈમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. એમાં પણ ટ્રાફિક જામ અને લોકલ ટ્રેનો લેટ થવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવા એક ઘટના એવી બની કે રેલવેને મોટું નુકસાન થયું છે. એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને વરસાદમાં ભીંજાવાથી બચાવવા માટે ફેંકીને રેઇનકોટ આપ્યો તો લોકલ ટ્રેન થંભી ગઈ હતી.
જાણો શું છે આખો મામલો?
સુમિત ભાગ્યવંત નામનો 19 વર્ષનો યુવક ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઊભો હતો અને તેની પાસે રેઇનકોટ હતો. તેમજ પ્લેટફોર્મ નંબર બે પર તેની ગર્લફ્રેન્ડ વરસાદમાં ભીંજાતી હતી. આથી તેને વરસાદમાં ભીંજાતી રોકવા માટે સુમિતે પોતાનો રેઇનકોટ તેના તરફ ફેંક્યો પરંતુ આ રેઈનકોટ પ્લેટફોર્મની વચ્ચે રેલવેના ઓવરહેડ વાયરમાં ફસાઈ ગયો. જેથી સ્ટેશન પર હંગામો થઈ ગયો હતો.
25 મિનિટ સુધી થંભી ગઈ ટ્રેનો
આ ઘટનાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રેલવે પ્રશાસન સતર્ક બની ગયું હતું. જેના પગલે રેલવે લાઈનનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકલ ટ્રેનો થંભી ગઈ હતી. ભીનો રેઈનકોટ ઉતારવામાં મુંબઈની ટ્રેન સેવા 25 મિનિટ માટે ઠપ થઈ ગઈ હતી. વીજ પુરવઠો બંધ થવાને કારણે વિવિધ સ્થળોએ ટ્રેનો થંભી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચી હતી.
વ્યક્તિને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
યુવાન સામે રેલવે એક્ટ 174(C) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તેને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વેસ્ટર્ન લાઇનની લોકલ ટ્રેન સેવા 25 મિનિટ માટે ઠપ થતા 5 લોકલ ટ્રેનો રદ કરવી પડી હતી. 2 ટ્રેનોને ચર્ચગેટના બીજા પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.