Get The App

મુંબઈ, મને મદદની જરુર છે, શ્વાનને રક્તદાન માટે રતન તાતાની અપીલ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
મુંબઈ, મને મદદની જરુર છે, શ્વાનને રક્તદાન માટે રતન તાતાની અપીલ 1 - image


તાતાની પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ ,લાખો લાઈક્સ

એનિમિયાથી પીડાતાં કૂતરાં માટે અપીલ બાદ 5 લોકો પોતાના  શ્વાનને રક્તદાન  માટે  લાવ્યા

મુંબઇઉદ્યોગપતિ રતન તાતાએ તેમની એનિમલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને ગંભીર બીમારી ધરાવતા એક શ્વાનને રક્તદાન માટે અન્ય શ્વાન રક્તદાતા મેળવી આપવાની ભાવુક અપીલ કરતાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી. ગુરુવાર સાંજ સુધીમાં તેને આશરે સાડા છ લાખ લાઈક્સ મળી ચુકી હતી. એક શ્વાન માટે ભારતના ટોચના ઉદ્યોગપતિની આ અપીલ નેટ યૂઝર્સને સ્પર્શી ગઈ હતી.  આ અપીલ બાદ પાંચ લોકો પોતાના શ્વાનને લઈ રક્તદાન માટે આવ્યા હતા.

રતન તાતાના સંચાલન હેઠળ ચાલતી પ્રાણીઓની હૉસ્પિટલમાં એક સાત મહિનાના ગલૂડિયાંને લોહીની જરુર છે. આ ગલૂડિયાંને  જીવલેણ બની શકે તેવો તાવ અને એનિમિયા થયો હોવાનું પણ તાતાએ પોસ્ટમાં જણાવ્યું  હતું. .  મુંબઈ, મને  મદદની જરુર છે એવા શબ્દો સાથે રતન તાતાએ કેવા શ્વાનનું  રક્ત આ બીમાર  શ્વાન માટે ચાલશે તેની વિગતો પણ આપી હતી.

પોસ્ટમાં જણાવ્યું છે કે, રક્તદાતા શ્વાન૧ થી ૮ વર્ષની વચ્ચેનો અને સારા સ્વાસ્થ્યનો હોવો જોઈએ, તેનું વજન ઓછામાં ઓછું  પચ્ચીસ કિલો હોવું જોઈએ, સંપૂર્ણ વેક્સિનેટેડ તથા કોઈપણ બિમારીથી મુક્ત હોવો જોઈએ.

રતન તાતાની આ પોસ્ટ ભારે વાયરલ થઈ  હતી.  અનેક લોકોએ રતન તાતાએ જણાવી છે તે પ્રમાણેની લાયકાત ધરાવતો શ્વાન પોતાની આસપાસમાં કે જાણીતા લોકોમાં હોય તો શોધી આપવાની ખાતરી આપી  હતી. બાદમાં પાંચ લોકો પોતાના શ્વાનને  રક્તદાન કરાવવા લઈ આવ્યા હતા. રતન તાતાએ આ તમામ શ્વાન તથા તેમના પાલકોની તસવીરો પણ શેર કરી હતી અને જેમનું રક્તદાન લેવાયું તેવા શ્વાનો કેસ્પર, લિઓ, સ્કૂબી, રોની અને ઈવાનનો નામ જોગ આભાર માન્યો હતો. રતન તાતાએ કહ્યું હતું કે હું મુંબઈ સ્પિરિટને  ધન્યવાદ પાઠવું છું. આ પાંચ માંથી એક શ્વાનના લોહીને ક્રોસ મેચ કરી લેવાયું છે અને મને આશા છે કે બીમાર શ્વાનની હવે ઝડપભેર રિકવરી થશે.

એક મોટા ગજાના ઉદ્યોગપતિ શ્વાન જેવા અબોલ જીવ માટે આટલી કાળજી લે છે તે વાત જ અનેક લોકોનાં  હૃદયને ભીંજવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા  સમય પહેલાં જ રતન તાતા સંચાલિત તાજ પેલેસ હોટલમાં રખડતા કૂતરાઓને પણ આશરો અપાતો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. રતન તાતાએ હોટલના સ્ટાફને કોઈપણ રખડતા શ્વાનને સારી રીતે ટ્રીટમેન્ટ આપવા તથા આશરા સાથે ખોરાકની વ્યવસ્થા કરવા કાયમી સૂચના આપી  રાખી છે.


Google NewsGoogle News