21,ડિસેમ્બરે મુંબઇનો દિવસ સૌથી ટૂંકામાં ટૂંકો (10:49:29-કલાક) રહ્યો
ઉત્તરાયણ અને દક્ષિણાયનનું અદભુત કુદરતી ચક્ર
પૃથ્વી તેની ધરી પર 23.5 ડિગ્રીએ ઝૂકેલી અવસ્થામાં રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતી હોવાથી આવો પ્રાકૃતિક ચમત્કાર સર્જાય
મુંબઇ : આજે ૨૦૨૩ની ૨૧,ડિસેમ્બર એટલે મુંબઇ સહિત આખા ભારતમાં સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ અને સૌથી લાંબામાં લાંબી રાત.આમ તો આજનો ૨૧,ડિસેમ્બરનો દિવસ પૃથ્વીના આખા ઉત્તરગોળાર્ધમાં સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ હોય અને સૌથી લાંબામાં લાંબી રાત હોય.
બીજીબાજુ આજે ૨૧, ડિસેમ્બરે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય અને સૌથી ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય.
વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો. જે.જે. રાવલે ગુજરાત સમાચારને એવી રસપ્રદ માહિતી આપતાં કહ્યું હતું કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ(ભારત,જાપાન,ચીન,ફ્રાંસ,જર્મની) માં સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ અને સૌથી લાંબામાં લાંબી રાત્રિ હોય તે સમગ્ર કુદરતી ગતિવિધિને ખગોળશાસ્ત્રની ભાષામાં વિન્ટર સોલસ્ટિસ (ઉત્તરાયણ) કહેવાય છે. જ્યારે આજના જ ૨૧,ડિસેમ્બરે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ(આખો એન્ટાર્કટિકા ખંડ,ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ,પેરુ) માં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય અને સૌથી ટૂંકામાં ટૂંકી રાત હોય.આ કુદરતી ગતિવિધિને ખગોળશાસ્ત્રની ભાષામાં સમર સોલસ્ટિસ(દક્ષિણાયન) કહેવાય છે.
આજના ૨૧, ડિસેમ્બરે મુંબઇનો દિવસ સૌથી ટૂંકામાં ટૂંકો એટલે કે ૧૧.૦૮ કલાકનો દિવસ રહ્યો હતો. સરળ રીતે સમજીએ તો આજે મુંબઇમાં સૂર્યોદય ૭ઃ૦૬ વાગે ઇશાનમાં થયો હતો, જ્યારે સૂર્યાસ્ત ૬ ઃ૦૬ વાગે પશ્ચિમમાં થયો હતો. આ ગણતરીએ આજે મુંબઇનો દિવસ ૧૦ઃ૫૯ઃ૨૯ કલાકનો રહ્યો હતો. ખરેખર તો દિવસ ૧૨ કલાકનો જ્યારે રાત ૧૨ કલાકની એમ કુલ ૨૪ કલાકનાં દિવસ --રાત્રિ હોય છે.
આ સમગ્ર કુદરતી અને અજીબોગરીબ કહી શકાય તેવી ગતિવિધિને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ સમજીએ તો પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ઝૂકેલી અવસ્થામાં તેના પિતૃ તારા સૂર્ય ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરે છે. હવે આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી દૂરના અંતરે હોવાથી સૂર્યનાં કિરણો આ હિસ્સામાં ત્રાંસાં પડે. પરિણામે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનારાયણનાં કિરણોની અસર ઓછી થઇ જવાથી ત્યાં શિયાળો (વિન્ટર સોલસ્ટિસ)શરૃ થાય. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યનાં કિરણો સીધાં પડવાથી ત્યાં ઉનાળો(સમર સોલસ્ટિસ) શરૃ થાય.હાલ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં શિયાળો છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો છે.
દર ૨૨, જૂનનો દિવસ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય જ્યારે રાત્રિ સૌથી ટૂંકામાં ટૂંકી હોય. બીજીબાજુ આ જ ૨૨, જૂને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ અને સૌથી લાંબામાં લાંબી રાત હોય.
પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ઝૂકેલી રહીને તેના પિતૃ તારા સૂર્યનારાયણ ફરતે ગોળ ગોળ ફરતી રહેતી હોવાથી જ ઉત્તરાયણ(વિન્ટર સોલસ્ટિસ) અને દક્ષિણાયન(સમર સોલસ્ટિસ)નું ચક્ર સર્જાય છે. વળી, પૃથ્વીની આ વિશિષ્ટ ગતિવિધિને કારણે જ શિયાળો,ઉનાળો,ચોમાસુ એવું અદભુત ઋતુ ચક્ર પણ સર્જાય છે.