મુંબઇમાં ઠંડીનો આછેરો અનુભવ : લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી ઘટયું
- મુંબઇની હવાની ગુણવત્તા સંતોષકારક છે : મહારાષ્ટ્રનાં 14 સ્થળોએ લઘુત્તમ તાપમાનનો પારો 15 થી 20 ડિગ્રી રહ્યો
- મહાબળેશ્વર 15.0 ડિગ્રી સાથે સૌથી કૂલ : જેઉર--15.5, બારામતી-15.7, પુણે -16.7,નાશિક --16.7, અહમદનગર --16.7, સાતારા -17.6 ડિગ્રી
મુંબઇ : મુંબઇગરાં રાજી થાય તેવા સમાચાર છે. સમાચાર એ છે કે છેલ્લા બે દિવસથી વેહેલી સવારે મુંબઇમાં આછેરી ઠંડીનો માહોલ સર્જાયો છે. હજી ચાર -- પાંચ દિવસ પહેલાં જ મુંબઇગરાંને બપોરે ગરમી અને બફારાનો જબરો અકળાવનારો અનુભવ થયો હતો.
હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે ગઇકાલ,૨૫,ઓક્ટોબરની સરખામણી( સાંતાક્રૂઝ :૨૪.૦ ડિગ્રી) એ આજે મુંબઇના લઘુત્તમ તાપમાનમાં ૨.૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી , જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૩ અને લઘુત્તમ તાપમાન૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
બીજીબાજુ આજે મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ આંક ૧૧૨ નોંધાયો હતો, જે મધ્યમની શ્રેણીમાં આવે છે. ગઇકાલે, ૨૫,ઓક્ટોબરે મુંબઇની હવાનો સરેરાશ આંક ૧૩૧ નોંધાયો હતો, જે મધ્યમની શ્રેણીમાં આવે છે. આજે જોકે ગઇકાલની સરખામણીએ શહેરની હવાની ગુણવત્તા સારી રહી હતી.
બીજીબાજુ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં પણ શિયાળાનું જાણે કે વહેલું આગમન થયું હોય તેવું ઠંડુ વાતાવરણ સર્જાયું છે. આજે મહારાષ્ટ્રનાં ૧૪ સ્થળોએ લઘુત્તમ તાપમાનનો પારો ૨૦.૦ અને ૨૦.૦ ડિગ્રી કરતાં નીચો રહ્યો હતો.
આજે મહારાષ્ટ્રનું ગિરિ મથક મહાબળેશ્વર લઘુત્તમ તાપમાન ૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી કૂલ સ્થળ રહ્યું હતું.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેક્ટર સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતીઆપી હતી કે હાલ મુંબઇ અને મહારાષ્ટ્ર પર ઉત્તર--પૂર્વ-- ઉત્તર(ઇશાન) દિશાના ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે.વળી, ઇશાનના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા હોવાથી ઠંડા માહોલની અસર વધુ અનુભવાઇ રહી છે.
આજે મહારાષ્ટ્રના જેઉરમાં લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રી, બારામતી --૧૫.૭,પુણે--૧૬.૭, નાશિક --૧૬.૭, અહમદનગર --૧૬.૭, સાતારા --૧૭.૬,મોહોલ-- ૧૭.૯, જળગાંવ--૧૮.૫, લોહગાંવ --૧૮.૮, સાંગલી --૧૯.૧, ગોંદિયા --૧૯.૨ , ઔરંગાબાદ --૧૯.૩,--માથેરાન --૨૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હોવાના સમાચાર મળે છે.
આજે બોરીવલીમાં હવાની ગુણવત્તાનો આંક ૪૦(સારી), કાંદિવલી --૧૦૧ --૫૦(મધ્યમ--સારી), મલાડ--૧૭૧(મધ્યમ), બી.કે.સી.--૧૬૮(મધ્યમ), વરલી --૯૩(સંતોષકારક), પવઇ--૭૭(સંતોષકારક),ચેમ્બુર--૧૨૧(મધ્યમ),કુર્લા--૧૦૧(મધ્યમ),ભાંડુપ--૮૦(સારી), ભાયખલા--૧૬૩(મધ્યમ), મુલુંડ--૬૮(સંતોષકારક), સાયન--૮૪(સંતોેષકારક) નોંધાયો હતો.