મુંબઈના ડ્રમરનું અલીબાગના કૂવામાં ડૂબી જવાથી મોત
- ચેમ્બુરના ચાર મિત્રો પિકનિક માટે ગયા હતા ત્યારે ઘટના
- કૂવામાં કૂદકો માર્યા બાદ તરૂણ તળિયાના કાંપમાં ફસાઈ જતા જીવ ગુમાવ્યો
મુંબઈ : મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રહેતા એક ડ્રમરનું અલીબાગના એક કૂવામાં ડૂબી જવાથી મોત થયું હતું. ૨૦ વર્ષનો મૃતક વિક્રાંત હંડલેકર ગુરૂવારે તેના ચાર મિત્રો સાથે પિકનિક માટે અલીબાગ આવ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાતાં ભારે શોક છવાયો છે.
હુંલેકર તેના મિત્રો સાતે અલીબાગના વાઘરાન ગામમાં પિકનિક માટે ગયા હતા. આ સમયે હંડલેકર અને તેના મિત્રો અહીંના એક કૂવામાં નહાવા ઉતર્યા હતા. હંડલેકરે કૂવામાં કૂદકો માર્યો પણ તે ઘણા સમય સુધી બહાર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા હતા.
આ લોકો તરત ગામવાસીઓને જાણ કરતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા ગામના અમુક માછીમારો તરુણોએ ઘણી જહેમત ઉઠાવી હતી ત્યારબાદ તેને શોધવા લંગર લઈ આવ્યા હતા અને લંગરને કૂવામાં અંદર ઉતારી શોધખોળ આદરી હતી. આ દરમિયાન તેમને સફળતા મળી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ તળિયેથી તેનો મૃતદેહ લંગર સાથે ઉપર લાવવામાં આવ્યો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર હંડલેકરે કૂવામાં કૂદકો માર્યા બાદ તે ૩૦ ફૂટ ઉંડા કૂવામાં તળિયાના કાંપમાં ફસાઈ ગયો અને પરિણામે તે બહાર આવી શક્યો નહોતો. પરિણામે ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ પ્રકરણે સ્થાનિક પોયનાડ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ આદરી છે. આ ઉપરાંત ઘટના બની ત્યારે મૃતક નશામાં હતો કે નહીં તે માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.