મુંબઇમાં જન્મેલા મિનિતા સંઘવીની ન્યુયોર્ક સેનેટની ચૂંટણી લડવાની જાહેરાત
46 વર્ષના મિનિતા સંઘવી રિપબ્લિકન જિમ ટેડિસ્કો સામે ચૂંટણી લડશે
મિનિતા સંઘવી હાલ સારાગોટા સ્પ્રિંગમાં ફાયનાન્સ કમિશનર તરીકે બીજી મુદત ભોગવી રહ્યા છે
મુંબઈ : ૨૦૧૭થી ન્યુ યોર્ક સ્ટેટ સેનેટમાં ફોર્ટી ફોર્થ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતાં રિપબ્લિકન પક્ષના સેનેટર જિમ ટેડિસ્કો સામે મુંબઇમાં જન્મેલાં અને હાલ સ્કિડમોર કોલેજમાં માર્કેટિંગના એસોસિએટ પ્રોફેસર મિનિતા સિંહે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મિનિતા સંઘવી હાલ સારાગોટા સ્પ્રિંગ વિસ્તારના ફાયનાન્સ કમિશનર તરીકે બીજી મુદતમાં કામગીરી સંભાળી રહ્યા છે.
૭૩ વર્ષના જિમ ટેડિસ્કો પાયાની સમસ્યાઓને અવગણીને તેમની રાજકીય ભેદભાવની નીતિને ઉત્તેજન આપી રહ્યા છે. જ્યારે મારા માટે કોમ્યુનિટી પ્રથમ છે અને રાજકારણ પછી છે તેમ મિનિતા સંઘવીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે મેં કાઉન્ટીમાં અને રાજ્યમાં કામ કર્યું છે. જ્યારે કોઇ સમસ્યા આવે ત્યારે તેનો ઉકેલ લાવવો પડે. હું પ્રોબ્લેમ સોલ્વર છું ટેડિસ્કો નથી. ટેડિસ્કો લોકો સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યા છે.
સંઘવીએ જણાવ્યું હતું કે એક માતા તરીકે ગન સુરક્ષા મારે માટે અગ્રતાક્રમે છે. જેમની પાસે ગન છે તેમને પણ આ બાબતની ચિંતા છે. આ બીજા સુધારાનો મુદ્દો નથી પણ એક માતા તરીકે મહત્વનો મુદ્દો છે. સંઘવીને જો કે હજી લોકલ અને કાઉન્ટી ડેમોક્રેટિક કાઉન્ટીઓએ વિધિસર ટેકા જાહેર કર્યો નથી. સંઘવીએ ચૂંટણી લડવાની જાહેરાત કરતાં રિપબ્લિકન્સે જણાવ્યું છે કે તેમણે પ્રથમ ફાયનાન્સ કમિશનર તરીકે રાજીનામું આપવું જોઇએ. તમણે તાજેતરમાં જ ફાયનાન્સ કમિશનર તરીકે બીજી મુદતના શપથ લીધા છે અને હવે તેઓ બીજા હોદ્દા માટે ચૂંટણી લડવા જઇ રહ્યા છે. સંઘવીએ જણાવ્યું હતું કે હું મારે ક્યારે શું કરવું એ રિપબ્લિકન્સને નક્કી કરવા દેતી નથી.
મિનિતા સંઘવીએ લેસ્બિયન રોમેન્સ નવલકથા હેપી એન્ડિંગ્સ લખી છે
સ્કિડમોર ખાતે માર્કેટિંગના એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરતાં મિનિતા સંઘવી જેને પોતે મલ્ટીપોટેન્શિયેલેટ ગણાવે તેવી બહુમુખી પ્રતિભા છે. મિનિતા સંઘવીએ લેસ્બિયન પ્રેમના વિષયને કેન્દ્રમાં રાખીને હેપી એન્ડિંગ્સ નામની રોમેન્સ નવલકથા લખી છે. જેને હાર્પર કોલિન્સે ઇન્ડિયાએ ૨૦૨૨માં પ્રકાશિત કરી હતી. વિમાનમાં અનાયાસે મુલાકાત બાદ બે મહિલાઓ વચ્ચે પાંગરેલી લવ સ્ટોરી રજૂ કરાઇ છે. આ નવલકથાના લેખન બાબતે તેમણે સ્કીડમોર સામયિકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ૨૦૧૬ની ચૂંટણી બાદ મારા જેવા બ્રાઉન પિપલ, ઇમિગ્રન્ટ્સ અને એલજીબીટીક્યુ પિપલ સામે નફરત વધવા માંડી તેના કારણે હું ચિતિંત થઇ હતી. મારી વાઇફે મને રાત્રે આફતજનક સમાચારો વાંચવાને બદલે નવલકથાઓ વાંચવાની સલાહઆપી હતી. અને મને રોમેન્સથી રાહતકારક જણાયો હતો. પણ મોટાભાગના લેસ્બિયન રોમેન્સ વ્હાઇટ પિપલના અને તેમની સમસ્યાઓને લગતાં હોય છે. હું એવું કશું વાંચવા માંગતી હતી જેની સાથે મારો નાતો જોડી શકાય. આમ મેં જ એક લેસ્બિયન રોમેન્સ નવલકથા લખવાનું શરૃ કર્યું જે ભારતમાં આકાર લે છે, જેમાં માતાપિતાનો ડ્રામા, દખલ કર્યા કરતાં દોસ્તો, પાગલ ચાહકો અને બોલિવૂડની ગ્લેમર છે. આ સેક્સી રોમેન્ટિક નવલકથામાં વાચકો માટે બધાં પ્રકારનો મસાલો છે.