મુંબઈમાં દેરાસર તોડવા મામલે જૈનોમાં આક્રોશ, કોંગ્રેસ સાથે ભાજપના ધારાસભ્યો પણ રસ્તા પર ઉતર્યા
Jain community protest in Mumbai : મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં BMCએ વર્ષો જૂનું દેરાસર તોડી પાડતા જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. BMCએ શ્રી 1008 પાર્શ્વનાથ પ્રભુના દિગંબર જૈન દેરાસરને નોટિસ ફટકાર્યા બાદ બોમ્બે હાઇકોર્ટમાં આ કાર્યવાહી વિરુદ્ધ અરજી કરાઇ હતી. જોકે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ તંત્રએ કાર્યવાહી કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અમે કડક કાર્યવાહી કરવામાં આવે તથા દેરાસર જ્યાં હતું ત્યાં જ ફરી બનાવવામાં આવે. નોંધનીય છે કે આ કાર્યવાહી વિરુદ્ધ મુંબઈ જ નહીં દેશના વિવિધ જિલ્લામાં જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ભાજપ ધારાસભ્ય દેખાવોમાં જોડાયા, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
તંત્રની કાર્યવાહીના વિરોધમાં જૈન સમાજના હજારો લોકો મુંબઈના રસ્તા પર ઉતર્યા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દેખાવોમાં કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડ તથા ભાજપ ધારાસભ્ય પરાગ અલવાણી પણ જોડાયા હતા. જોકે બાદમાં BMCના અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે અહીં લોકોને પ્રાર્થના કરવાની અનુમતિ આપવામાં આવશે. કોંગ્રેસ નેતા પવન ખેડા કાર્યવાહીનો વિરોધ નોંધાવતા કહ્યું છે, કે 'મુંબઈના રસ્તા પર માનવ મેદની ઉમટી છે. વર્ષો જૂના દેરાસરને ધ્વસ્ત કરવાની કાર્યવાહીના કારણે જૈન સમાજ દુ:ખી છે. દેશની સહિષ્ણુતા સાથે ભારતીય જનતા પાર્ટીની શું દુશ્મનાવટ છે?'
અમારી જ સત્તા છે છતાં અમે દુ:ખી: ભાજપ ધારાસભ્ય
ધારાસભ્ય પરાગ અલવાણી તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય એક ધારાસભ્ય મુરજી પાટિલે પણ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું છે કે અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. અમે આવતીકાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સામે આ મુદ્દો ઉઠાવીશું. સત્તા પક્ષના ધારાસભ્ય આજે રસ્તા પર આવ્યા છે. અમે અત્યંત દુ:ખી છીએ.
ભાજપના નેતાઓ વિરોધનું નાટક કેમ કરી રહ્યા છે?: આદિત્ય ઠાકરે
શિવસેના યુબિટીના નેતા આદિત્ય ઠાકરેએ પણ આ મામલે BMC અને ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે, કે ' બે દિવસથી જૈન સમાજ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યો છે અને મુખ્યમંત્રી કાર્યાલય અને શહેરી વિકાસ મંત્રી કાર્યાલય દ્વારા BMCને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવી રહી છે.' ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આ દેખાવોમાં સામેલ થતાં આદિત્ય ઠાકરેએ ટોણો માર્યો હતો કે મુખ્યમંત્રી ભાજપના જ છે તો વિરોધ કરવાનું નાટક કોના સામે કરવામાં આવી રહ્યું છે?
શાંતિપૂર્ણ જૈન સમાજે રસ્તા પર ઊતરવું પડ્યું: વર્ષા ગાયકવાડ
કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે, કે 'જૈન સમાજની માંગ છે કે દેરાસર ધ્વસ્ત કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. બે JCB લાવ્યા, મહિલાઓ પર હુમલો કર્યો. જૈનો શાંતિપૂર્ણ છે છતાં આજે રસ્તા પર ઊતરવું પડ્યું છે. ચોંકાવનારી બાબત છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને મંત્રી રેલીમાં સામેલ થઈ રહ્યા છે. રાજ્યમાં તમારી જ સરકાર છે, આસ્થાનું સ્થાન બનાવી રાખવાની જવાબદારી તમારી છે. મને એવું લાગે છે કે આ કાર્યવાહી પૂર્વનિયોજીત ષડ્યંત્ર હતું.'
સમગ્ર મામલે BMCએ શું જવાબ આપ્યો?
BMCએ આ મુદ્દે જવાબ આપ્યો છે, કે 'થોડા દિવસ પહેલા જ આ મામલે અધિકારીઓએ નોટિસ આપી અનુરોધ કર્યો હતો કે સંરચના તોડી પાડો નહીંતર કાર્યવાહી કરવી પડશે.'
શું છે સમગ્ર ઘટના?
મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક જૈન સોસાયટીમાં દાયકાઓ પહેલા દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સોસાયટીની બહાર રાધા કૃષ્ણ નામની હોટલ આવેલી છે. સોસાયટીના રહીશોનો આરોપ છે કે થોડા વર્ષ અગાઉ હોટલના જ માલિકે ફરિયાદ કરી હતી કે સોસાયટીમાં ગેરકાયદે રીતે દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે બાદ સોસાયટીના રહીશોએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. બોમ્બે હાઇકોર્ટમાં સ્ટે ઓર્ડર પર વધુ સુનાવણી થાય તે પહેલા જ BMCના અધિકારીઓએ દેરાસર તોડવાની કાર્યવાહી કરી. જૈન સમાજનો આરોપ છે કે BMCને જાણ હતી જ કે અમે હાઇકોર્ટમાં અરજી કરી છે તો કાર્યવાહી કરવામાં આટલી ઉતાવળ કેમ કરાઇ? આટલું જ નહીં તંત્રના અધિકારીઓ અને હોટલ માલિક વચ્ચે મિલીભગતનો પણ આરોપ લોકો દ્વારા લગાવવામાં આવ્યો છે.