બાબા સિદ્દિકી મર્ડર કેસમાં છ આરોપીઓના નામ આવ્યા સામે, ત્રીજા આરોપીની થઈ ધરપકડ
Baba Siddique Shot Dead in Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી લીધી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રવીણ લોનકરને દબોચી લીધો છે. આમ, અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા છે. તો આ કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓના નામ સામે આવ્યા છે.
6 આરોપીઓના નામ આવ્યા સામે, ત્રણની ધરપકડ
આ હત્યાકાંડમાં અત્યાર સુધીમાં છ આરોપીઓના નામ સામે આવ્યા છે. જેમાંથી ત્રણની ધરપકડ થઈ છે જ્યારે ત્રણ હજુ ફરાર છે. પોલીસે સૌથી પહેલા બે હુમલાખોર અને ત્યારબાદ વધુ એકની ધરપકડ કરી લીધી છે. જેમાં હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23), ઉત્તરપ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19) અને પ્રવીણ લોનકરની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે શિવા પ્રસાદ ગૌતમ, મોહમ્મ જીશાન અખ્તર અને શિબૂ લોનકર નામના ત્રણ આરોપી ફરાર છે અને મુંબઈ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમો બનાવી છે. આ વચ્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ત્યારે ખુદને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની સાચી ઉંમર જાણવા માટે તેમનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો : સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઇ સંદેશા બહાર પહોંચાડતો હોવાની આશંકા
મોહમ્મદ જીશાન અખ્તર 7 ઓક્ટોબરે પટિયાલા જેલથી બહાર આવ્યો હતો
બાબા સિદ્દિકી હત્યાકાંડના ચોથા આરોપી મોહમ્મદ જીશાન અખ્તર આ વર્ષે 7 જૂને પટિયાલા જેલથી બહાર આવ્યો હતો. પંજાબની પટિયાલા જેલમાં જ તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોના સંપર્કમાં આવ્યો હતો. મોહમ્મદ જીશાન અખ્તર પંજાબના જાલંધરનો રહેવાસી છે.
બાંદ્રાના ખેર નગરમાં બાબા સિદ્દિકીની હત્યા
બાબા સિદ્દિકીને મુંબઈના બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના દીકરા અને ધારાસભ્ય જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર શનિવાર (12 ઓક્ટોબર) રાત્રે ત્રણ લોકોએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને લિલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.
આ પણ વાંચો : કેમ સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ? જાણો ક્યાંથી શરૂ થઈ દુશ્મનાવટ
મુંબઈ પોલીસ બાબા સિદ્દિકીની હત્યાના અલગ અલગ પાસાઓથી તપાસ કરી રહી છે. જેમાં સોપારી લઈને હત્યા, બિઝનેસ પ્રતિસ્પર્ધી કે પછી આવાસ પુનર્વાસ પરિયોજનાને લઈને મળેલી ધમકીના પાસા પણ સામેલ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે, વિધાનસભામાં ત્રણ વખત બાંદ્રા (પશ્ચિમ) બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના નેતા સિદ્દિકીની હત્યા એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરાયાની શંકા છે.