મુલુન્ડના ટીનએજર તબલાવાદક તૃત્પરાજને ષણ્મુખાનંદની ફેલોશીપ
સૌથી નાની વયના તબલાવાદક તરીકે ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું છે
18 મહિનાની વયે તબલાવાદનની શરૃઆત કરી આજે ૧૮ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય એવોર્ડ સહિત અઢળક ઇનામો મેળવ્યા
મુંબઇ - મિની કચ્છ ગણાતા મુલુન્ડના એક સંગીતપ્રેમી ગુજરાતી પરિવારમાં જન્મી સૌથી નાની વયના તબલાવાદક તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યા પછી અનેક રાષ્ટ્રીય પારિતોષિકો મેળવનારા તૃપ્તરાજ અતુલ પંડયાને ષણ્મુખાનંદ સંગીત મહાભારતી તરફથી પ્રતિષ્ઠિત ભારત-રત્ન ડૉ. એમ.એસ. સુબ્બાલક્ષ્મી ફેલોશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૧૮ મહિનાની ઉંમરે ડબલા પર ડબલાવાદન શરૃ કરીને ી પછી તરત તચુકડા તબલા પર હાથ જમાવવા માંડેલા તૃપ્તરાજે પહેલો જાહેર કાર્યક્રમ બે વર્ષ, બે મહિના અને ૧૧ દિવસની ઉંમરે સોમૈયા કોલેજમાં આપ્યો હતો. ત્યાર પછી ૩ વર્ષની ઉંમરે ઓલ ઇન્ડિયા રેડિયોમાં તબલાવદન રજૂ કરીને તેણે સૌથી નાની વયના તબલાવાદક તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું. થોડા સમય પહેલાં જ વિદાય લઇ ચૂકેલા ટોચના તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેને જ્યારે આ ટેણિયા તબલાવાદકનું તબલાવાદન સાંભળ્યું ત્યારે ખુશ થઇ ગયા હતા અને તરત જ પોતાની ઇન્સ્ટીટયૂટમાંથી એક ટયુટરની વ્યવસ્થા કરી હતી અને પદ્ધતીસર તબલા શીખવવા માંડયા હતા.
તબલાવાદનમાં ટોચ પર પહોંચવાનું લક્ષ રાખનારા તૃપ્તરાજે ૧૮ મહિનાથી તબલાવાદનની શરૃઆત કર્યા પછી આજે ૧૮ વર્ષની ઉેમરે પહોંચ્યો ત્યાં સુધી એક પણ દિવસ તબલાનો રિયાઝ ચૂક્યો નથી. અત્યારે મહાન તબલાવાદક પંડિત નયન ઘોષની સંસ્થામાં તબલાવાદનની તાલીમ લેતા તૃપ્ત રાજને પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર યોજના હેઠળ આર્ટ- કલ્ચર શ્રેણીમાં બાલશક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. સંગીતના શોખીન પિતા અતુલ પંડયા કહે છે કે તબલા અને તાલવાદન જ તૃપ્તરાજનું લક્ષ છે. માણસ જેમ હૃદયના ધબકાર ન ચૂે એમ તે તબલાથી તરખાટ મચાવવાનું ચૂકતો નથી. હવે તે તૃપ્તરાજ ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે. એને જે ટ્રોફિઓ, ચંદ્રકો, ઇનામો મળે છે એ રાખવા માટે ઘરમાં જગ્યાઓછી પડવા માંડી છે.