સાંસદ નવનીત રાણાના મુંબઈના ઘરમાં નોકરે 2 લાખની ધાપ મારી
ખારના ઘરમાંથી રોકડ ગાયબ થયા બાદ નોકર પણ ગૂમ થઈ ગયો
રવિ રાણાએ પીએને બે લાખ રુપિયા આપ્યા હતા : ઘરનોકર અર્જુન મુખિયા રોકડ ચોરી વતન બિહાર પલાયન થયાની આશંકા
મુંબઇ : અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેના પતિ ધારાસભ્ય રવિ રાણાના મુંબઈના ખારના ઘરમાંથી ઘરનોકરે જ બે લાખ રૃપિયાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે ઘરનોકર અર્જુન મુખિયા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. પોલીસને એવી શંકા છે કે મુખિયા બે લાખની રોકડની ચોરી કરી તેના મૂળ ગામે બિહાર ભાગી છૂટયો છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર રાણાં દંપતિ મુંબઇના ખારમાં આવેલ લાવ્હી એપાર્ટમેન્ટમાં આઠમા માળે ફલેટ ધરાવે છે. આ ફલેટમાં અર્જુન મુખિયા નામનો એક ઘરનોકર ફલેટની સારસંભાળ રાખતો હતો. મુખ્યા છેલ્લા લગભગ દસ મહિનાથી આ ફલેટમાં રહેતો હતો. રવિ રાણાએ તેના પીએ તરીકે કામ કરતા સંદિપ સસેને ફેબુ્રઆરી મહિનામાં બે લાખ રૃપિયાની રોકડ આપી હતી. આ રકમ સસેએ અહીંના એક કબાટમાં રાખી હતી. તાજેતરમાં ખર્ચા માટે આ રકમ કાઢવા કબાટ ખોલવામાં આવ્યો ત્યારે આ રકમ તેમાં નહોતી. સંપૂર્ણ કબાટ ફંફોસવામાં આવ્યા બાદ પણ આ રકમ ન મળતા ચોરી થઇ હોવાની શંકા સસેને ગઇ હતી.
સસેએ નોધ્યું હતું કે ઘરનોકર તરીકે કામ કરતો મુખિયા પણ ગુમ છે અને તેનો કોઇ સંપર્ક કરી શકાતો નથી. ત્યારબાદ સસેએ ખાર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે મુખિયા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે મુખિયા બે લાખની રોકડ રકમ લઇ તેના વતનમાં બિહાર ભાગી છૂટયો હોઇ શકે છે.