Get The App

મહારાષ્ટ્રમાં મુસ્લિમોને પાંચ ટકા અનામત ન મળે તો આંદોલન

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં મુસ્લિમોને પાંચ ટકા અનામત ન મળે તો આંદોલન 1 - image


- મરાઠા , ઓબીસી પછી વધુ એક અનામત આંદોલન

- ચૂંટણીમાં જીતાડી ન શકાય તો હરાવવાની ચિમકીઃ ઉર્દૂ સ્કૂલોમાં અરબી ભાષા ભણાવવાની પણ ડિમાંડ

પુણે : અન્ય પછાત વર્ગો (ઓબીસી) મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની સામે પડયા છે ત્યારે હવે રાજ્યમાં મુસ્લિમો માટે આરક્ષણની માગણી ઉઠી છે. ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડ (એઆઇયુબી)એ એવી ચીમકી આપી છે કે જો રાજ્ય સરકાર મુસ્લિમ સમાજને શિક્ષણમાં પાંચ ટકા અનામતનું વચન નહિ આપે તો અમે મોટાપાયે આંદોલન શરૂ કરીશું.

ઉલેમા બોર્ડે શિક્ષણમાં આરક્ષણ ઉપરાંત મહારાષ્ટ્રની તમામ ઉર્દૂ માધ્યમની સ્કૂલોમાં અરબી ભાષા શીખવવાનું શરૂ કરવાની પણ માગણી કરી છે. મરાઠા સમાજ માટે અનામત મેળવવા મનોજ જરાંગે પાટિલ બે વાર બે મુદત ઉપવાસ કરી ચૂક્યા છે. જ્યારે મરાઠાઓને આરક્ષણ આપવા ઓબીસી સમાજની અનામતની ટક્કાવારી ઘટાડાશે એવી આશંકા દર્શાવી રાજ્યના વરિષ્ઠ પ્રધાન અને ઓબીસી લિડર છગન ભુજબળે પણ સરકાર સામે બાંયો ચડાવી છે.

એઆઇયુબીની વકફ પાંખના પ્રમુખ સલીમ સારંગે જણાવ્યું હતું કે ઉલેમાઓના સંમેલનમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી સરકાર સમક્ષ પોતાની માગણીઓ મુકવાનો નિર્ણય લેવાયો હતો. ૨૦૨૪માં યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભમાં એમણે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે મુસ્લિમો ભલે ચૂંટણીમાં કોઇ ખાસ ઉમેદવારને જીતાડી ન શકે પણ તેઓ ચોક્કસપણે કોઇના પરાજયનું કારણ બની શકે છે એટલે હવે એવો સમય આવી ગયો છે કે અમારી ઉપેક્ષા કરવાનું છોડી અમારી માગણીઓને ગંભીરતાથી લેવાય. સારંગે એ વાતે ખેદ દર્શાવ્યો હતો કે અદાલતો દ્વારા મુસલમાનોને શિક્ષણ ક્ષેત્રમાં પાંચ ટકા અનામત આપવાને બહાલી અપાઇ હોવા છતા રાજ્યની કોઇ સરકાર એના અમલ માટે ઉત્સુક નથી દેખાતી.

અમારી માગણીઓની રજૂઆત માટે અમે મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ઉપરાંત લઘુમતિ ખાતાનાં મંત્રીની એપોઇન્ટમેન્ટ માગી છે. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 


Google NewsGoogle News