ગિરગામ ચોપાટી પાસેની બિલ્ડીંગમાં આગમાં માતા, પુત્રનાં મોત
- આગ છ કલાકે કાબુમાં, નવને બચાવ્યા
- બેડરુમમા અને બાથરુમમાંથી નલિની શાહતથા હિરેન શાહના મૃતદેહ મળ્યા
મુંબઈ : દક્ષિણ મુંબઇમાં ગિરગામ ચોપાટી પાસે બિલ્ડીંગમાં આગ લાગતા ૮૨ વર્ષીય વૃદ્ધા અને તેમનો પુત્ર મોતના મુખમાં ધકેલાઇ ગયો હતો. ત્રીજા માળે ફ્લેટના બેડરૂમ અને બાથરૂમમાં બંનેના મૃતદેહો મળી આવ્યા હતા.
અગ્નિશામક દળના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથધરી નવ જણને બચાવી લીધા હતા. ફાયરબ્રિગેડે લગભગ છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના લીધે આ ઘટના બની હોવાનું કહેવાય છે. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી મામલાની વધુ તપાસ આદરી છે.
મુંબઇ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ગિરગામ ચોપાટી નજીક રાંગણેકર રોડ પર ગોમતી ભવન બિલ્ડીંગમાં ગઇકાલે રાતે ૯.૩૦ વાગ્યે આગ ભભૂકી હતી.
આગની જાણ થતા અગ્નિશાનક દળના જવાનો આઠ ફાયર એન્જિન, છ જમ્બો ટેન્કર સાથે બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. બિલ્ડીંગના લાકડાના માળખા અને દાદરને કારણે લેવલ-૨ની આગ ઝડપથી ફેલાઇ ગઇ હતી. આગમાં સીડીઓ સળગીને તૂટી ગઇ હતી. આથી ફાયરમેન માટે ઉપર જવાનો કોઇ રસ્તો નહોતો. આમ ફાયર બ્રિગેડને આગ બૂઝાવવામાં મુશ્કેલી થઇ હતી.
છેવટે ભારે જહેમત બાદ આજે સવારે ૩.૩૦ વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દરમિયાન અગ્નિશામક દળના જવાનોએ નવ જણને બચાવી બિલ્ડીંગની બહાર કાઢયા હતા. બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ઘરમાં બાથરૂમ અને બેડરૂમમાં ૮૨ વર્ષીય નલિની શાહ અને તેમના પુત્ર હિરેન શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મૃતદેહ મળ્યા તે ફ્લેટનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ગિરગામ પોલીસે આ મામલે બે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધાયા છે. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.