પુત્રને કરંટ લાગતાં માતા બચાવવા દોડીઃ બંનેનાં મોત
- બોઈસરમાં શ્રમિક માતા-પુત્રએ જીવ ગુમાવ્યોં
- ડુક્કરોથી પાકને બચાવવા ખેતર ફરતે ફેન્સિંગ પર વીજ વાયર લગાડાયો હતો
મુંબઇ : પાલઘર જિલ્લાના બોઈસરમાં જંગલી ડુક્કરોથી પાક બચાવવા ખેતરની ફરતે ગોઠવેલ વિજળીના જીવંત વાયરના સંપર્કમાં આવી જવાથી માતા- પુત્રનું કરુણ મોત થયું હતું. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે અહીંના શિગાવ- ખુતાડમાં બની હતી.
બોઈસર તાલુકાના શિગાવ- ખુતાડમાં આવેલા એક મરચાના ખેતરમાં કામ કરવા કનૈયા સહાની (૩૫) અને તેની માતા લલિતાદેવી (૫૫)ને કામ પર રાખવામાં આવ્યા હતા. આ બન્ને મૂળ બિહારના રહેવાસી હતી. ખેતરના માલિકે જંગલી ડુક્કરોથી પાકને બચાવવા ખેતરની ફરતે અમુક જગ્યાએ વિજળીના જીવંત વાયર લગાવ્યા હતા. આ વાયર લોખંડની ફેન્સિંગ સાથે જોડવામાં આવ્યા હતા. દરમિયાન ખેતરમાં કામ કરતી વખતે કનૈયા સહાની અચાનક આ જીવંત વાયરના સંપર્કમાં આવી જવાથી તેને જોરદાર વિજળીનો આંચકો લાગ્યો હતો.
આ ઘટના જોઈ તેની માતા લલિતાદેવી તેને બચાવવા દોડી આવી હતી. જોકે તેને પણ જોરદાર આંચકો લાગતા માતા- પુત્ર બન્નેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. આ ઘટનાની જાણ તતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જંગલી જાનવરોથી પાકનું રક્ષણ કરવા ખેતરની ફરતેની વાડમાં વિજળીનો વાયર લગાવી જીવંત પ્રવાહ વહેતો કરવો ગેરકાયદે હોવા છતાં સરકારી નિયમોનો ભંગ કરી મોટેપાયે આવું કરવામાં આવે છે. આ રીતે ગેરકાયદે વીજ પ્રવાહને લીધે થોડા દિવસો પહેલાં પાલઘરના નંદોરેમાં પણ એક વ્યક્તિનો જીવ ગયો હતો.