ડોંબિવલીમાં અઢી વર્ષની દીકરીની હત્યા કરી માતાએ ગળેફાંસો ખાધો
આઈટી એન્જિનિયરની પત્નીનાં પગલાંથી અરેરાટી
પતિ સોસાયટીની મીટિંગમાં ગયો એટલીવારમાં કૃત્યઃ સાસુ બાજુના રુમમાં જ નિંદ્રાધીન હતાં
મુંબઈ - ડોંબિવલી પૂર્વમાં રવિવારે રાત્રે ૨૯ વર્ષીય મહિલાએ કથિત રીતે પોતાની અઢી વર્ષની પુત્રીનું ઓશિકા વડે મોઢું દબાવીને હત્યા કરી હતી. આ બાદ તેણે જાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિ જ્યારે રાત્રે બહારથી ઘરે આવ્યો ત્યારે બંનેના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા હતા. આ મામલે માનપાડા પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ૩૨ વર્ષીય રાહુલ સકપાલ ઐરોલીમાં એક આઈટી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. તેના પરિવારમાં ૨૯ વર્ષીય પત્ની પૂજા સકપાલ અને અઢી વર્ષની પુત્રી સમૃદ્ધિ તથા વૃદ્ધ માતાનો સમાવેશ થાય છે.
ઘટનાના દિવસે રાહુલે બપોરે ૩ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સોસાયટીની બેઠકમાં હાજરી આપી હતી. આ બાદ રાત્રે ૮ વાગ્યાની આસપાસ બહાર જમ્યા બાદ તે ઘરે પરત ફર્યો હતો. ત્યારે એપાર્ટમેન્ટનો દરવાજો બંદ હોવાથી. રાબેતા મુજબ, તેણે દરવાજો ખટખટાવ્યો હતો. જો કે, અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો.
તેથી તેણે તેની પત્નીનો સંપર્ક કર્યો હતો. જો કે, તેની પત્નીએ ફોન ન ઉપાડતા. રાહુલે તેની પાસે રહેલ ચાવીથી દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ જ્યારે રાહુલ તેના બેડરુમમાં પ્રવેશ્યો હતો. ત્યારે તેણે માતા અને પુત્રીના મૃતદેહ જોયા હતા. જેમાં તેની અઢી વર્ષની પુત્રીના મોઢા પર ઓશિકુ રાખેલ હતું અને તે જમીન પર પડી હતી. તો પુજા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આવું દ્રશ્ય જોતા જ તે ચીસો પાડવા માંડયો હતો. તેથી ચીસોનો અવાજ સાંભળતા જ પાડોશી એકઠા થઈ ગયા હતા.
આ ઘટના બાદ, રાહુલ તેની પુત્રીને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જો કે, તબીબી તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહુલનું નિવેદન નોધ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, આ ઘટના પહેલા પરિવારમાં કોઈ તકરાર કે ઝઘડો થયો ન હતો. તેથી તેની પત્નીએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે અમારા માટે આઘાતની વાત છે.
રાહુલના દિવ્યાંગ માતા આ ઘટના વખતે બાજુના રુમમાં જ નિંદ્રાધીન હતાં. જોકે, તેમને આ સમગ્ર ઘટનાક્રમનો કોઈ અણસાર આવ્યો ન હતો.
પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પંચનામા બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અંગે પૂજાના સંબંધીઓનો પણ સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પતિ -પત્ની વચ્ચે કોઈ તકરાર ન હતી. પરિવારમાં કોઈ આર્થિક તકલીફ પણ ન હતી. ક્યારેક પૂજા ઉશ્કેરાઈ જતી હતી અને બાળકી પર પણ હાથ ઉપાડતી હતી. જોકે, તેણે આ કૃત્ય કેમ કર્યું તેની કોઈ કડી મળી નથી.