સાસુ સાથે ઝઘડો થતાં માતા દ્વારા 1 વર્ષના બાળકને ટાંકીમાં ડૂબાડી હત્યા
ભિવંડીમાં ઘરેલુ કંકાસમાં ઘાતકી કૃત્ય
પુત્ર લાપતા હોવાનું બહાનુ કાઢી પોલીસ ફરિયાદ કરી જોકે પતિને શંકા ગઈ
મુંબઈ - ભિવંડીના વાશિંદ વિસ્તારમાં સાસુ સાથે ઝઘડો થતા ૨૩ વર્ષીય મહિલાએ તેના એક વર્ષના પુત્રને પાણીની ટાંકીમાં ડૂબાડી દેતા બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે આરોપી મહિલા સામે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
વિગત મુજબ, ભિવંડીના વાશિંદ વિસ્તારમાં મહિલા તેના પતિ, પુત્ર અને સાસુ સાથે રહેતી હતી. ૨૦૨૨માં દંપતીના લગ્ન થયા હતા. આ બાદ ગયા વર્ષે જ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જ ો કે, બાળક જન્મજાત રોગગ્રસ્ત હોવાથી વાડિયા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. મંગળવારે બાળકની તબિયત ફરી લથડતા સાસુ વહુ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતિએ દરમિયાનગીરી કરીને મામલો શાંત કર્યો હતો. આ બાદ તે રાત્રે કામ પર ચાલ્યો ગયો હતો.
બુધવારે સવારે પતિ ઘરે આવ્યા બાદ તેના બાળક સાથે થોડો સમય રમ્યો હતો અને સૂઈ ગયો હતો. જો કે, આ બાદ એક વર્ષનું બાળક ઘરમાં ન મળતા પરિવારે બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ સમયે પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેનો પુત્ર ગુમ થયો હોવાનો દાવો કર્યો હતો.
આ સમયે પતિને તેની પત્ની પર શંકા જતા તેણે બાળક ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી. જેમાં મહિલાએ એક વર્ષના બાળકને ઘરની પાણીની ટાંકીમાં ડૂબાડી દીધાની કબૂલાત કરી હતી.
આ ઘટના બાદ પતિએ પડઘા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીની ટાંકીમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો. આ બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે વધુમાં તેની પૂછપરછ કરતા મહિલાએ ગુનો કબૂલ્યો હતો. તેણે આ કૌટુંબિક કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પણ માહિતી આપી હતી. આ મામલે પતિએ પોલીસમા ંં પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.