મોટાભાગના તબીબો સરકારી હોસ્પિટલમાં કામ કરવા તૈયાર નહીં

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
મોટાભાગના તબીબો સરકારી હોસ્પિટલમાં કામ કરવા તૈયાર નહીં 1 - image


હિંસા, રાજકીય દબાણ, અગવડો કારણભૂત

નિષ્ણાંતોએ વળતરમાં વધારો કરવાની, સ્ટાફની સુરક્ષા અને મેડિકલ સીટ વધારવાની ભલામણ કરી

મુંબઈ :  મેડિકો લીગલ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વેમાં ડોક્ટરો શા માટે સરકારી હોસ્પિટલોમાં કામ કરવામાં ખચકાટ અનુભવે છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોની હોસ્પિટલોના લગભગ ચારસો ડોક્ટરો સમાવિષ્ટ કરતા સર્વેમાં  જણાવાયું હતું કે સ્ટાફ અને ડોક્ટરો સામે થતી હિંસા, રાજકીય દબાણ અને કાર્યસ્થળે પ્રવર્તતી અગવડોને કારણે મોટાભાગના તબીબો સરકારી હોસ્પિટલોમાં કામ કરવા તૈયાર નથી. 

અભ્યાસમાં આરોગ્ય વ્યવસ્થા સુધારવા તાત્કાલિક ધ્યાન અને સક્રિય ઉકેલની જરૃર પર ભાર મુકાયો હતો. ૮૫ ટકાથી વધુ પ્રતિસાદ આપનારાઓએ આ બાબતો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે મેડિકો સોસાયટી જાહેર હિતમાં હસ્તક્ષેપ કરવા કર્ણાટક હાઈ કોર્ટમાં આ મહત્વના  તારણો રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સર્વેમાંથી જે મુખ્ય ભલામણો કરવામાં આવી છે તેમાં ડોક્ટરોને સ્પર્ધાત્મક વળતરની જરૃર, આરોગ્ય કર્મચારીઓનુ હિંસા સામે રક્ષણ અને સરકારી તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓ વચ્ચે સહયોગાત્મક માળખાની રચના જેવા પગલા સામેલ છે. વધુમાં મેડિકલ સીટો વધારવાની અને ઈન્ટર્ન તેમજ નિવાસી ડોક્ટરો માટે વળતર વધારવાનો પણ પ્રસ્તાવ મુકાયો છે જેથી ડોક્ટરોને સરકારી હોસ્પિટલોનું પણ આકર્ષણ રહે.

આરોગ્ય નિષ્ણાંતોએ મોજૂદ માળખામાં સુધારો કરવાની, જિલ્લા હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની અને સ્ટાફના સભ્યો માટે ફરિયાદ કમિટી સ્થાપવા જેવા ભ્રષ્ટાચાર વિરોધી પગલા લેવાની માગણીને ટકો આપ્યો છે.



Google NewsGoogle News