અભિષેકને નહીં છોડું, ખતમ કરી દઈશ તેવું રટણ મોરીસ કરતો હતો
અભિષેકના કારણે જ રેપ કેસમાં જેલ જવું પડયું હોવાનું ખુન્નસ
અમેરિકાથી પાછા આવીને પાલિકા ચૂંટણીની તૈયારી કરતાં અભિષેક સાથે વિખવાદ વધ્યો હતોઃ મોરીસની પત્ની તથા સ્થળ પર હાજર લોકોની પૂછપરછ
લાખોની છેંતરપિંડી, બ્લેકમેઇલિંગના પણ આરોપોઃપાંચ મહિના જેલમાં રહ્યો હતો, લૂક આઉટ નોટિસ પણ જારી થઈ હતી
મુંબઇ :બળાત્કાર અને વિનંયભંગના કેસમાં અભિષેક ઘોસાળકરના કારણે જેલમાં જવું પડયું હોવાનું આરોપી મોરીસ નોરોન્હા માનતો હતો. આથી તે બદલો લેવા માગતો હતો. તે હંમેશા ઘરમાં અભિષેકને મારી નાખશે એવી વાત કરતો હતો. આવી ચોંકાવનારી માહિતી પોલીસે મોરીસની પત્નીની પૂછપરછમાં જાણવા મળી છે પોલીસે મોરીસની પત્ની સહિત પરિવારની સભ્યો અને ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન નોંધ્યા છે.
પોલીસને મોરીસની પત્નીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી મોરીસને ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકર બદલ બહુ ગુસ્સો હતો. દહિસર નજીક રહેતો આરોપી મોરીસ નોરોન્હા તેના વિસ્તારમાં મોરીસ ભાઇ તરીકે જાણીતો હતો. તેણે અનેક વખત વિદેશની મુલાકાત પણ લીધી હતી. તે તાજેતરમાં જ અમેરિકાના લોસ એન્જલસથી આવ્યો હતો. રાજકીય મહત્વાકાંક્ષી સાથે તેણે મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૃ કરી દીધી હતી. તે અભિષેક ઘોસાળકરના નેતૃત્વ હેઠળના મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યો હતો એમ કહેવાય છે. ઘોસાળકર તેનો વિરોધ કરી રહ્યા હતા.
અગાઉ મોરીસની બળાત્કાર અને વિનયભંગના કેસમાં ધરપકડ કરાઇ હતી તે પાંચ મહિના જેલમાં હતો. મોરીસનું માનવું હતું કે તેની ધરપકડ પાછળ અભિષેક ઘોસાળકરનો હાથ હતો.
જેલમાંથી બહાર આવ્યા પછી પણ મોરીસ ગુસ્સામાં હતો. હું અભિષેકને છોડીશ મહીં, હું તેને ખતમ કરી દઇશ એમ તે ઘરમાં ઘણી વખત કહેતો હતો.
બળાત્કારના કેસમાં પત્ની સાથેના મોરીસના સંબંધમાં પણ કડવાશ આવી હોવાનું કહેવાય છે. આ માટે પણ તે અભિષેકને જવાબદાર માનતો હોવાની ચર્ચા થઇ રહી છે.
મૃતક મોરીસની પત્નીનું પોલીસ દ્વારા ફરી નિવેદન નોંધવામાં આવશે એવી શક્યતા છે.
આરોપી મોરીસ સામે અનેક ગંભીર ગુના દાખલ હતી. તેની સામે ગંભીર આરોપની ૨૦૧૪માં શરૃઆત થઇ હતી. વર્ષ ૨૦૨૨ તેની વિરૃદ્ધ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. તે રૃા.૮૦ લાખની છેતરપિંડી, ૪૮ વર્ષની મહિલા પર બળાત્કાર, ધમકી, બ્લેકમેલિંગના કેસમાં સામેલ હોવાનો આરોપ છે.
આરોપી મોરીસે કોરોના દરમિયાન સામાજિક કાર્યમાં પહેલ કરી હતી તેને કોરોના યોદ્ધા તરીકે સામાજિક એવોર્ડ પણ મળ્યો હતો. તેણે જુદા જુદા પક્ષના નેતાઓ સાથે ફોટા પડાવ્યા હતા.
મર્ડર બાદ વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા આ ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ઘોસાળકરતા જન્મ દિવસ પર મોરીસે તેના બેનર પર લગાડયા હતા.
બીજી તરફ મોરીસે ઠંડે કલેજે ઘોસાળકરની હત્યાનું કાવતરું ઘડયું હોવાનું કહેવાય છે. તેણે ઘોસાળકર સાથે વિવાદના સમાધાનનું નાટક કરી મહિલાઓને સાડી આપવાના કાર્યક્રમમાં ગઇકાલે પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. તેણે ફેસબુક લાઇવ કરી લોકો માટે કામ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી પછી અચાનક મોરીસે બોડીગાર્ડની પિસ્તોલમાંથી અભિષેકને ગોળી મારી હતી. ત્યારબાદ ઓફિસના માળીયા પર જઇ પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી.