મોરીસ યુ ટયૂબ જોઈને તથા બોડીગાર્ડ પાસેથી પિસ્તોલ ચલાવતાં શીખ્યો હતો
અભિષેક ઘોસાળકરની હત્યા ઓચિંતી નહીં પરંતુ પૂર્વઆયોજિત હોવાનો દાવો
સતત બદલો લેવાનું રટણ કરતો હતો, સમાધાન બેઠક એક નાટક જ હતું : પોલીસે 50 લોકોનાં નિવેદન નોંધ્યાં
મુંબઇ : ફેસબુક લાઇવ દરમિયાન શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા કરવા આરોપી મોરિસે કથિત રીતે યુટયુબ અને તેના બોડીગાર્ડ પાસેથી પિસ્તોલ હેન્ડલિંગની ટેકનિક શીખી હતી, એવો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ દાવો કર્યો હતો. આ સિવાય આ મામલામાં અત્યારસુધી પોલીસે ૫૦ થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.
બોરીવલી નજીક આઇસી કોલોનીમાં આરોપી મોરિસ નોરોન્હાની ઓફિસ હતી. અગાઉ ચાલતા ઝઘડાનું સમાધાનનું નાટક કરી મહિલાઓને સાડી આપવાના કાર્યક્રમમાં હાજરી આપવાના બહાને મોરિસે ગત ૮ ફેબુ્રઆરીના ઘોસાળકરને તેની ઓફિસમાં બોલાવ્યા હતા. પછી ફેસબુક લાઇવ કરી મોરિસે ગોળી મારીને ઘોસાળકરની હત્યા કરીહતી. બાદમાં તેણે પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવી લીધું હતું. ફાયરિંગ માટે નોરોન્હાએ પોતાના બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. મિશ્રા પાસે પિસ્તોલ રાખવાની પરવાનગી હતી.
આરોપી નોરોન્હાને તેના વિસ્તારમાં મોરિસ ભાઇ તરીકે પણ ઓલખવામાં આવતો હતો. આ બનાવના એક દિવસ અગાઉ બંને તેના કાર્યસ્થળ પર મળ્યા હતા. પરંતુ બોડીગાર્ડ મિશ્રા પાસે પિસ્તોલ હોવાથી મોરિસ હત્યાના કાવતરાને અંજામ આપી શક્યો નહોતો.
પોલીસે નોરોન્હાના ઇન્ટરનેટ સર્ચ રેકોર્ડની તપાસ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે તે પિસ્તોલનો ઉપયોગ કઇ રીતે કરવો તે અંગે વારંવાર યુટયુબ વીડિયો જોતો હતો. તેણે પિસ્તોલ લોડ કરવા હેન્ડલ કરવા બાબતે બોડીગાર્ડ મિશ્રા પાસેથી ટીપ્સ મેળવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે બોડીગાર્ડ મિશ્રાની ૯ ફેબુ્રઆરીએ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તેણે મોરિસ પાસે શસ્ત્ર રાખવાની પરવાનગી ન હોવા છતાં પિસ્તોલ આપી હોવાનો આરોપ છે.
ઘોસાળકર અને આરોપી નોરોન્હા વચ્ચેના રાજકીય દુશ્મનાવટના એંગલને પણ શોધી રહી છે. આ કેસની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં ૫૦ થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.
એમએચબી પોલીસ સ્ટેશનમાં નોરોન્હા વિરૃદ્ધ નોંધાયેલા કથિત બળાત્કારના કેસની માહિતી ઘોસાળકરે યુએસ એમ્બેસીને આપી હોવાનું કહેવાય છે. જેના કારણે નોરોન્હાના વિઝા રદ થયા હતા.
યુએસથી પરત ફર્યા બાદ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નોરોન્હાની ધરપકડ કરવામાં આવી હતી. તે ૮૪ દિવસ સુધી જેલમાં હતો. પછી તેને જામીન મળ્યા હતા.
આ સિવાય તે મહાનગર પાલિકાની ચૂંટણી લડવા માગતો હતો એમ કહેવાય છે. આ બાબતને લઇને પણ ઘોસાળકર સાથે તેનો વિવાદ થયો હોવાની ચર્ચા થઇ રહી છે.
આરોપી મોરિસ સતત ઘોસાળકર સાથે બદલો લેવાનું રટળ કરતો હતો. આમ તેણે ઘોસાળકરની સાથે સમાધાનનું નાટક કર્યું હતું. તેણે ઘોસાળકરના બેનરો લગાડીને તેનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં છેવટે કાર્યક્રમમાં બોલાવીને ઘોસાળકરની હત્યા કરી હતી.