મુંબઈમાં પ્રદૂષણને લીધે મોર્નિંગ વોક્ જોખમી : રાજ્ય સરકારની ચેતવણી
મુંબઇ સહિત રાજ્યના 17 શહેરોના લોકોને સવાર-સાંજ વોક ટાળવા અપીલ
શ્વાસની તકલીફ, ચક્કર, આંખોમાં ચળ જેવા કેસોમાં તબીબી સલાહ લોઃ માસ્ક પહેરવાની પણ સલાહ અપાઈ
મુંબઇ : મુંબઇ શહેરની હવા એટલી ખરાબ થઇ ચૂકી છે કે હવે રાજ્ય સરકારે મુંબઇ સહિત રાજ્યના સત્તર શહેરોના રહેવાસીઓને સવાર-સાંજ લટાર મારવાનું બંધ રાખવાની સલાહ આપી છે. ધુમ્મસ અને હવાના પ્રદૂષણને કારણે હાલ સવારે અને સાંજે એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળો રહેતો હોવાથી સરકારે સાવચેતીના પગલાંરૃપે આ ચેતવણી જારી કરી છે.
મુંબઇના બીકેસી અને કોલાબા વિસ્તારને બાદ કરતાં સમગ્ર શહેરમાં એક્યુઆઇ સરેરાશ સ્તરે જણાયો છે જ્યારે બીકેસી અને કોલાબામાં એક્યુઆઇ ૨૦૦ કરતાં વધારે જણાયો છે. આમ છતાં રાજ્ય સરકારે સાવચેતીના પગલાં રૃપે તમામ જિલ્લાઓને તેમના વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા એક્શન પ્લાન તેયાર કરવા જણાવ્યું છે. જે લોકો પ્રદૂષણ સબંધિત સમસ્યાઓ જેમ કે શ્વાસ રુંધાવો, કફ, છાતીમાં દુખાવો, ચક્કર આવવા અને આંખમાં ચળ આવવા જેવી સમસ્યાઓ ધરાવતાં હોય તેમને ડોક્ટરની સલાહ લેવા અને એન-૯૫ માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે.
મુંબઇ ઉપરાંત થાણે, પૂણે, નાગપુર, ઔરંગાબાદ, નાસિક અને અન્ય શહેરોમાં હવાની ગુણવત્તા કથળવાને પગલે સરકારે આ મોટું પગલું ભર્યું છે. સરકારે એક્યુઆઇના આંકડા તથા બિમારીઓની સમસ્યાઓને સાંકળવાની તથા તેનું દૈનિક રિપોર્ટિંગ જિલ્લા અધિકારીઓ તથા સબંધિત મ્યુનિસિપલ અધિકારીઓને નિયમિતપણે કરવા જણાવ્યું છે. છેલ્લા થોડાં સમયથી પ્રદૂષણની સમસ્યાએ વિકરાળ રૃપ ધારણ કરતાં સરકારને પગલાં ભરવાની ફરજ પડી છે.
મુંબઈમાં પ્રદૂષણની સ્થિતિ તથા પગલાંની સમીક્ષા માટે કેન્દ્રની ટીમ આવશે
મુંબઇઃ કેન્દ્રના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન ખાતાના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં મુંબઇની મુલાકાત લઇ મુંબઇનું હવામાન ચકાસશે અને સરકાર દ્વારા પ્રદૂષણને નાથવા માટે લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરશે. મુંબઇમાં હવાની ગુણવત્તા કથળવાને પગલે બોમ્બે હાઇકોર્ટે આ બાબતની દખલ લઇ સરકારને પગલાં ભરવા જણાવતાં સરકારના આરોગ્ય ખાતાએ હેલ્થ એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. જેમાં લોકોને સવાર-સાંજ બહાર ન જવાની કે કસરત જેવી પ્રવૃત્તિ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.