સવારથી જ દરિયા પરથી પવનો ફૂકાંતાં મુંબઈમાં તાપમાન પાંચ ડિગ્રી ઘટયું
જોકે, આ રાહત લાંબી નહીં ચાલે, હજુ બે દિવસ ગરમી-બફારો રહેવાનો વરતારો
21મીએ થાણે અને પાલઘરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની વકીઃ 3 દિવસ મધ્ય મહારાષ્ટ્ર-વિદર્ભમાં પણ વર્ષાનો માહોલ સર્જાશે
મુંબઇ : સતત બે દિવસ હીટ વેવ અને સિવિયર હીટ વેવમાં શેકાયા બાદ આજે મુંબઇગરાંને આજે બહુ મોટી રાહત રહી હતી. આજે મુંબઇમાં ગરમીનો પારો સીધો પાંચ ડિગ્રી જેટલો નીચો આવી ગયો હતો. ગઇકાલે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય ગરમ નોંધાયું હતું. આજે અચાનક જ સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન સીધું પાંચ ડિગ્રી નીચું આવીને ૩૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે જોકે સાવધાનીભરી એવી ચેતવણી પણ આપી છે કે આવતા બે દિવસ દરમિયાન હજી મુંબઇગરાંએ ગરમી અને ઉકળાટ સહન કરવો પડે તેવી શક્યતા છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી બપોરે ગરમી સાથે બફારો પણ રહેવાની સંભાવના છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૭ અને લઘુત્તમ તાપમાન ૨૮.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે જોકે ગઇકાલની સરખામણીએ (૭૦ --૬૪ ટકા )કોલાબામાં ભેજનું પ્રમાણ વધીને ૮૭ --૭૮ ટકા, જ્યારે ગઇકાલની સરખામણીએ(૬૪- ૩૯ ટકા) સાંતાક્રૂઝમાં પણ ભેજનું પ્રમાણ વધીને ૭૪ --૭૧ ટકા રહ્યું હતું.
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબલેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે સવારથી જ મુંબઇ પર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા શરૃ થયા હતા.પવનની દિશા બદલાતાં ગરમીમાં રાહત રહી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન મુંબઇ પર પૂર્વના અત્યંત ગરમ પવનો ફૂંકાતા હોવાથી વાતાવરણમાં અસહ્ય ગરમી ફેલાઇ ગઇ હતી.
હાલ વિદર્ભથી મરાઠવાડા થઇને કર્ણાટક સુધીના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.
આવાં બદલાઇ રહેલાં પરિબળોની અસરથી આવતા બે દિવસ(૧૮,૧૯ - એપ્રિલ) દરમિયાન મુંબઇ,થાણે,રાયગઢમાં ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે.૨૧,એપ્રિલે થાણે અને પાલઘરમાં મેઘગર્જના, વીજળીના ચમકારા,તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવી પણ સંભાવના છે.
બીજીબાજુ આવતા ત્રણ દિવસ(૧૯થી ૨૧ -એપ્રિલ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,ધુળે, નંદુરબાર,સોલાપુર), મરાઠવાડા(નાંદેડ,બીડ,લાતુર,ધારાશિવ),વિદર્ભ(ચંદ્રપુર,ગોંદિયા, ગઢચિરોળી,નાગપુર,વર્ધા)માં ગાજવીજ, તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
આજે માલેગાંવ ૪૩.૨ ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ રહ્યું હતું. જ્યારે ગિરિ મથક મહાબળેશ્વર ૨૦.૧ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.