પુણેમાં રૃા.1100 કરોડનું 600 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત
આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં મુંબઇ કનેક્શનનો પણ પર્દાફાશ
100 કરોડનું મેફેડ્રોન મળ્યા બાદ આરોપીઓની પૂછપરછના આધારે અન્ય કંપનીમાંથી વધુ 550 કિલો જથ્થો જપ્ત મીઠાના વેચાણની આડમાં પણ ડ્રગ્સની દાણચોરી
મુંબઇ : પુણેમાં અલગ અલગ કાર્યવાહીમાં પોલીસને કુલ ૧૧૦૦ કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું. અગાઉ વિશ્રાંતવાડીમાં દરોડામાં આશરે ૧૦૦ કરોડનો જથ્થો જપ્ત થયો હતો. આ રેકેટના આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે દૌંડના કુરકુંભ એમઆઈડીસીની કંપનીમાં દરોડો પાડી વધુ ૫૫૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો.
પુણે ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ અગાઉ સોમવાર પેઠમાં કારમાં મેફેડ્રોન ડ્રગની ડિલિવરી કરવા આવેલા રીઢા ગુનેગાર વૈભવ ઉર્ફે પિંટયા માનેને પકડયો હતો. તેની સાથે અજય કરોસિયાની ધરપકડ કરાઇ હતી. તેમની પાસેથી રૃા. એક કરોડનું મેફેડ્રોન મળ્યું હતું. તેમને હૈદર શેખે મેફેડ્રોન આપ્યું હતું. બાદમાં પોલીસે હૈદરને તાબામાં લઇ વધુ રૃા. એક કરોડનું મેફેડ્રોન કબજે કર્યું હતું. તેની પૂછપરછ બાદ મીઠાના ગોદામમાં દોઢ કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું.
પોલીસે વિશ્રાંતવાડીમાં મીઠાના ગોદામમાં દરોડા પાડયા હતા. અહીં મીઠાના પેકેટમાં ભરવામાં આવેલો બાવન કિલો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. એની કિંમત અંદાજે રૃા. ૧૦૪ કરોડ છે. આરોપી માને અને હૈદર વિરુદ્ધ નશીલો પદાર્થ વેચવાના ગુના દાખલ છે. બંને ગત વર્ષે યેરવડા જેલમાંથી બહાર આવ્યા હતા. ત્યારથી તેઓ મોટા પ્રમાણમાં ડ્રગ્સ વેચતા હતા. પોલીસને શંકા ના જાય માટે હૈદરે મીઠાના પેકેટમાં મેફેડ્રોન ભરીને વિશ્રાતવાડીમાં સંતાડીને રાખ્યું હતું.
તેઓ દેશના જુદા જુદા શહેર ઉપરાંત વિદેશમાં આ મેફેડ્રોન વેચવાના હતા. આ ટોળકી મુંબઇમાં મેફેડ્રોન મોકલવાના હતા. તેઓ મુંબઇના ડ્રગ પેડલર પોલ અને બ્રાઉનને મેફેડ્રોન વેચવાના હતા. પોલ અને બ્રાઉન વિદેશી નાગરિક છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી પોલીસ મેળવી હતી.
પોલીસે આરોપી ત્રિપુટી પાસેથી મળેલી વિગતોના આધારે પુણેના દૌંડમાં કુરકુભ એમઆઇડીસીમાં બીજુ ઓપરેશન હાથ ધર્યું હતું અહીં એક કંપનીમાં દરોડા દરમ્યાન આશરે ૫૫૦ કિલો મેફેડ્રોન મળી આવ્યુ ંહતું. આમ અત્યાસુધીમાં અંદાજે રૃા.૧૧૦૦ કરોડની કિંમતનું ૬૦૦ કિલોથી વધુ મેફેડ્રોન રિકવર કર્યું છે, એમ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જમાવ્યું હતું.
ૌંડની કંપનીમાં મેફેડ્રોન બનાવવામાં આવતું હતું પોલીસે આ પ્રકરણમાં અનિલ સાભળેને પકડીને એની પૂછપરછ કરી છે.
પુણેમાં અગાઉ સસૂન હોસ્પિટલના પરિસરમાં ડ્રગ્સ સ્મગલર લલિત પાટીલ અને તેના સાથીદારો પાસેથી સવા બે કરોડની કિંમતનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુણેમાં સતત નશીલો પદાર્થ કબજે કરવામાં આવી રહ્યો છે.