મુંબઈમાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે 30 હજારથી વધુ જવાનો ખડેપગે
મંગળવારની બપોરથી જ પોલીસ જવાનો બૂથો પર તૈનાત
ટ્રાફિક કન્ટ્રોલ માટે 144 પોલીસ અધિકારી, 1 હજાર કોન્સ્ટેબલ અને 4 હજારથી વધુ હોમગાર્ડ ફરજ બજાવશે
મુંબઇ - આજે સમગ્ર મહારાષ્ટ્રમાં હાથ ધરાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને પ્રશાસને અંતિમ સ્વરૃપ આપી દીધું છે. પોલીંગ બૂથથી માંડી ચૂંટણી પ્રક્રિયા સરળતા પૂર્વક પાર પડે તે માટે રાજ્યના પાટનગર મુંબઇમાં ૩૦ હજાર પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી એડિશનલ પોલીસ કમિશનર સ્તરના પાંચ અધિકારી, ૨૦ ડીસીપી, ૮૩ એસીપી બંદોબસ્ત ડયુટી દરમિયાન વિભિન્ન ટીમોનું નેતૃત્વ કરશે. ૨૫ હજારથી વધુ પોલીસે કોન્સ્ટેબલ, ત્રણ રાયટ કન્ટ્રોલ પોલીસની ટીમ પણ કોઇ પણ અપ્રિય ઘટના ન બને તે માટે ખડે પગે રહેશે.
પોલીસના આ બંદોબસ્ત ઉપરાંત પોલીંગ બૂથ બહાર તેમજ આસપાસ અને અન્ય સ્થળોએ ટ્રાફિકના કન્ટ્રોલ માટે ૧૪૪ પોલીસ અધિકારી, એક હજાર પોલીસ કોન્સ્ટેબલ અને ચાર હજારથી વધુ હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેટિક સર્વેયલન્સ ટીમ (એસએસટી), એફએસટી સહિત ૨૬ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ/સ્ટેટ આર્મ્ડ પોલીસ ફોર્સની ટુકડીઓ પણ ચૂંટણી પ્રક્રિયા સરળતાથી પાર પડે તે માટે પોલીસ સાથે સમન્વય સાધી ફરજ બજાવશે.
આ વખતની ચૂંટણીમાં ચૂંટણી પંચની ફલાઇંગ સ્કવોર્ડે વિવિધ સ્થળોએ નાકાબંધી ગોઠવી ૧૭૫ કરોડ રૃપિયાની કિંમતની રોકડ, વેલ્યુએબલ્સ, દારૃ અને ડ્રગ્સ જપ્ત કર્યું હતું.