બિહારના યુવક અને મહિલાના ખાતામાં સુપારીની રકમ ઓનલાઈન મોકલાઈ
મુંબઈ પોલીસ બિહારની બેન્કની બ્રાન્ચમાં તપાસ માટે પહોંચી, આરોપીઓના સંબંધીઓની પૂછપરછ કરાઈ
મુંબઈ : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસની તપાસ દરમિયાન બન્ને શૂટરની સાથે સંબંધ ધરાવનારા યુવક અને મહિલાના બેન્ક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો કરાયાની માહિતી હોવાનું કહેવાય છે. સુપારીની અમુક રકમ તેમના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાયાની શંકા છે.
બિહારના ચંપારણના મસહી ગામના શૂટરની ધરપકડ બાદ પોલીસ આરોપી સંબંધિત દરેક બાબત પર તપાસ કરી રહી છે.
ગત સોમવારે બિહારમાં તેમના સંબંધિઓની પૂછપરછ કર્યા પછી છોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે પટનાથી ટીમ પહોંચી હતી. નરકટિયાગંજમાં રાષ્ટ્રીય બેન્કની મુખ્ય શાખામાં આરોપી સામે સંકળાયેલા લોકોના ખાતામાં લેવડદેવડની તપાસ કરી હતી.
આ તપાસ વખતે મસહી ગામની એક મહિલા અને અન્ય એક યુવકના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા.બેન્કના બ્રાન્ચ મેનેજરે જણાવ્યું હતું કે પોલીસની ટીમ તપાસ માટે આવી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે નરકટિયાગંજ પહોંચી હતી. બાદમાં કેસની તપાસ કરતી ટીમ સ્થાનિક ગૌનાહા, સહોદરા, શિકારપુરા સહિત ચાર પોલીસ સ્ટેશનની પોલીસ સાથે મસહી ગામ ગઈ હતી. આરોપીઓના સંબંધીઓને પૂછપરછ માટે ગૌનાહા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તેમને પૂછપરછ પછી મૂક્ત કરવામાં આવ્યા હતા.શંકાસ્પદ મહિલા અને યુવકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરનારની માહિતી મેળવવામાં આવી રહી છે.
આ સિવાય બંને સાથે સંબંધ ધરાવનાર મહિલા અને યુવક નેપાળ ગયા હોવાનું કહેવાય છે. પોલીસ તેમના પરિવારના સભ્યોને તેમને નેપાળથી ઘરે બોલાવવા કહ્યું છે. પોલીસે તેમની તપાસમાં સહકાર આપવા કહ્યું છે.