તમારાં 27 ખાતામાંથી આતંકીઓને નાણાં મોકલાયાં છેઃ ધમકી આપી 46 લાખનો ફ્રોડ
ખાનગી કંપનીના નોકરિયાતને પોલીસ અધિકારીના સ્વાંગમાં ફોન
15 વર્ષની જેલમની ધમકી તથા ડ્રગ કેસમાં સંડોવણીની પણ ચિમકી આપી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા
મુંબઇ : નવી મુંબઇના નેરુળમાં રહેતા અને અંધેરીની એક ખાનગી કંપનીમાં કામ કરતા ૪૭ વર્ષના એક વ્યક્ત સાથે ફ્રોડસ્ટરોએ ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હતી. ફ્રોડસ્ટરોએ પોતાના ઓળખાણ પોલીસ અધિકારી તરીકે આપી ફરિયાદીએ મની લોન્ડરિંગ કર્યું હોવાનું જણાવી તેના ખાતામાંથી આતંકીઓને નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું ધમકાવી મસમોટી રકમ પડાવી હતી.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ૧૦ એપ્રિલના ફરિયાદીને એક ફોન કોલ આવ્યો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ હાઇકોર્ટમાંથી બોલી રહ્યા છે. અને તેમને સામે ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીને સામેથી એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે ક્રેડિટ કાર્ડની મદદથી લીધેલી રૃા.૫.૮૫ લાખની લોન ભરી નથી અને ૨૭ વિવિધ બેન્કોમાં તેમના આધારકાર્ડની મદદથી ખાતાઓ ખોલી આતંકવાદીઓના વિવિધ બેન્ક ખાતામાં રકમો ટ્રાન્સ્ફર કરવામાં આવી છે.
ફરિયાદી આ વાતથી ડરી ગયા હતા અને તેમણે આવી કોઇ લોન લીધી ન હોવાનું જણાવ્યું હતું. આ સમયે ફ્રોડસ્ટરોએ સ્કાઇપ પર તેની વાત ડીસીપી સાથે કરાવી આપી હતી જેમાં તેમની સાથે એક આતંકવાદી નજરે પડે છે. અને તેની પાસે ફરિયાદીનો ફોટો હોઇ તેણે જ તેના આધારકાર્ડની કોપી આતંકવાદીઓ માટે બેન્ક એકાઉન્ટ ખોલવા આપી હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદીને સામેથી એવી ધમકી આપવામાં આવી હતી કે એન્ટી મની લોન્ડરિંગ વિભાગ આ કેસની તપાસ કરશે અને તેને ૧૫ વર્ષની જેલ થઇ થઇ શકે છે આ ઉપરાંત ડ્રગ્સ કેસમાં પણ તેની સંડોવણી હોવાનું જણાવ્યું હતું.
ફ્રોડસ્ટરોએ ફરિયાદીને પોલીસ કેસથી બચવા પૈસાની માગણી કરી હતી અને ૧૦ થી ૧૫ એપ્રિલ વચ્ચે ફરિયાદીને સતત હેરાન કરી અલગ-અલગ બેંક ખાતામાં ૪૬ લાખ ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા. આ રકમ આપ્યા બાદ જો તે નિર્દોષ હશે તો વેરિફિકેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રકમ પાછી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
આ વાતને થોડો સમય વિત્યા બાદ પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેણે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આઇપીસીની કલમ ૩૪, ૧૭૦, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ અને આઇટી એક્ટની કલમ ૬૬ડી હેઠળ અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.