ભ્રષ્ટાચારના પાપે શિવાજીની પ્રતિમા તૂટી પડયા બાદ અંતે મોદીની જાહેર માફી
- વિધાનસભા ચૂંટણી ટાણે મરાઠી માણુસની લાગણી ઘવાતાં મોદીએ હાથ જોડયા
- શિવાજી મહારાજ આપણા આરાધ્ય દેવતા, હું તેમના ચરણોમાં શીશ નમાવીને માફી માગું છું, તેમના ભક્તો પણ માફ કરે
મુંબઈ : મહારાષ્ટ્રના સિંધુદુર્ગના કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભ્રષ્ટાચારના પાપે માત્ર આઠ જ મહિનામાં ધરાશાયી થઈ ગઈ તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેર માફી માગી લીધી છે. ખુદ મોદીએ જ આઠ મહિના પહેલાં આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વિધાનસભા ચૂંટણી પૂર્વેજ મરાઠી માણુસની લાગણી આ ઘટનાથી ઘવાઈ છે અને તેમાં નેવીનું નામ પણ વિવાદમાં ખરડાયું છ. આ સમગ્ર ઘટનાક્રમથી ભારે હતપ્રભ બની ગયેલા મોદીએ બે હાથ જોડીને મહારાષ્ટ્રની જનતાની માફી માગી હતી. મોદીએ કોઈ ઘટના મુદ્દે જાહેર માફી માગી હોય તેવી આ રેર ઘટના છે. જોકે, આ મુદ્દે જે રીતે લોકલાગણી ઘવાઈ છે તે જોતાં લોકો માત્ર આ માફીથી સંતોષ પામશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ પ્રકરણમાં સીએમ શિંદેના સાંસદ પુત્રનું નામ પણ સંડોવાયું હોવાથી વડાપ્રધાન માફી માગવા સિવાય કેવાં કડક પગલાં લે છે તેની પર પણ લોકોની નજર છે.
કેટલાક લોકો ભારતના પનોતા પુત્ર વીર સાવરકરનું અપમાન કર્યા પછી પણ માફી માગતા નથી. ઉલ્ટાના તેઓ કોર્ટમાં લડાઈ લડે છે. પરંતુ હું તેવો નથી. છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે આરાધ્ય દેવતા છે. હું તેમના ચરણોમાં પ્રણામ કરું છું અનેમાથું ઝુકાવીને માફી માંગુ છું. જે લોકો છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન કરે છે અને તેમની પૂજા કરે છે તેમની પણ હું માફી માંગુ છું, જે લોકોની લાગણી દૂભાઈ છે એ તમામની હું માફી માગું છું એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઢવણ પોર્ટના ભૂમિપૂજન વખતે તેમનું સંબોધન શરુ કરતી વખતે જ જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજને તેમના દેવતા તરીકે પૂજનારા તમામ લોકોની પણ માફી માંગું છું, કારણ કે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. મા રા સંસ્કાર સંપૂર્ણપણે અલગ છે.અમારા માટે, અમારા પૂજનીય દેવતાથી મોટું કંઈ નથી, એમ વડાપ્રધાને જણાવ્યું હતું
મને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા બાદ હું રાયગઢ કિલ્લા પર ગયો હતો અને એક ભક્ત તેના આરાધ્ય દેવની પ્રાર્થના કરે તેમ છત્રપતિ શિવાજી મહારાજની સમાધી સમક્ષ પ્રાર્થના કરી મારી રાષ્ટ્રીય સેવા તીર્થયાત્રાની શરૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા સોમવારે રાજકોટ ફોર્ટ પર શિવાજીની પ્રતિમા તૂટી પડી હતી. આ પ્રતિમાનું વડાપ્રધાન મોદીએ જ ગયાં વર્ષે ડિસેમ્બરમાં અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તૂટી પડવા બાબતે મુખ્યપ્રધાન એકનાથ શિંદે તથા નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પણ જાહેર માફી ઉચ્ચારી ચૂક્યા છે.
દરમિયાન, વડાપ્રધાને આજે ૭૬ હજાર કરોડના ખર્ચે બનનારાં વાઢવણ બંદરનું ભૂમિપૂજન કર્યું હતું. મહારાષ્ટ્રના દહાણુ નજીક સ્થપાનારું આ કન્ટેન્ટર પોર્ટ હશે. અહીં સમુદ્રી ઉંડાણને કારણે વિશાળ જહાજો પણ લાંગરી શકશે.
આ બંદરનાં ભૂમિપૂજન ઉપરાંત વડાપ્રધાને ૧૫૬૦ કરોડના ૨૧ ફિશરીઝ પ્રોજેક્ટનું પણ ઉદ્ધઘાટન કર્યું હતું.
આ વખતે વડાપ્રધાને વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યુ હતું કે ૨૦૨૦માં જ આ બંદર બાંધવાનું નક્કી થયું હતું પરંત પછી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ જતાં અઢી વર્ષ સુધી કોઈ કામગીરી થઈ ન હતી. આ પ્રોજેક્ટથી સાત લાખ કરોડનું રોકાણ આવશે અને ૧૨ લાખ રોજગારીઓનું સર્જન થશે એમ તેમણે કહ્યું હતું.