જોગેશ્વરી હોટલ કૌભાંડમાં ઈડી દ્વારા ધારાસભ્ય વાયકરની પૂછપરછ

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
જોગેશ્વરી હોટલ કૌભાંડમાં ઈડી દ્વારા ધારાસભ્ય વાયકરની પૂછપરછ 1 - image


મહાપાલિકાને ગેરમાર્ગે દોરી હોટલ બનાવી દેવાયાનો કેસ

અગાઉ ઇડીએ વાયકરની  સાત જગ્યાએ દરોડા પાડયા હતા, તપાસમાં સહકાર આપી રહ્યાનો વાયકરનો દાવો

મુંબઇ :  શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા સોમવારે જોગેશ્વરીના એક પ્લોટ પર વૈભવી હોટેલના બાંધકામની પરવાનગી મેળવવા સંબંધિત કથિત અનિયમિતતાની તપાસના ભાગરૃપે પૂછપરછ કરવામાં આવી હતી.

આ કૌભાંડમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે વાયકર સોમવારે બપોરે દક્ષિણ મુંબઇમાં આવેલી ઇડીની ઓફિસમાં પહોંચી ગયા હતા. તેમના વકીલોના જણાવ્યા મુજબ વાયકર તપાસમાં સહકાર આપી રહ્યા છે.

ગત ૯ જાન્યુઆરીના સવારે ઇડીના અધિકારીઓ જોગેશ્વરીમાં વાયકરના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જોગેશ્વરી પ્લોટ સંબંધિત ગેરરીતિના મામલામાં પુરાવા એકઠા કરવા ઇડીની ટીમે વાયકરના ઘરે છાપો માર્યો હતો. આ સિવાય વાયકરના ભાગીદારોના ઘર, ઓફિસમાં સહિત સાત સ્થળે સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જોગેશ્વરીમાં વાયકરે મુંબઇ મહાનગર પાલિકાના બગીચા માટેના આરક્ષિત પ્લોટમાં છેતરપિંડી કરી વિશાળ હોટેલ બનાવી હોવાનો આરોપ છે.

આ પ્લોટનો કથિત દુરુપયોગ કરવા સાથે અકળાયેલા પાલિકાના અધિકારીઓનું તાજેતરમાં એજન્સીએ નિવેદન નોંધ્યું હતું.

વાયકર અને અન્ય આરોપીઓએ તેમના પર લગાડવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. વાયકરને અગાઉ ૧૭ અને ૨૩ જાન્યુઆરીએ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ તેમણે પૂછપરછ માટે હાજર થવા માટે સમય માંગ્યો હતો.

વિધાનસભામાં જોગેશ્વરી (પૂર્વ) મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા વાયકર સામે સપ્ટેમ્બર ૨૦૨૩માં મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા નોંધાયેલ કેસના આધારે ઇડીએ કાર્યવાહી કરી છે.

બીએમસીએ જોગેશ્વરી ખાતે એક કલબને રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે  જમીન આપી હતી. પરંતુ બાદમાં આરક્ષિત ખુલ્લી જગ્યા પર વૈભવી હોટેલ બાંધવામાં આવી હતી. આમ પ્લોટના ઉપયોગ માટેના પાલિકા સાથેના કરારનો ઉલ્લઘન કરાયો હતો.

ગયા જૂનમાં બીએમસીએ હોટેલની પરવાનગી રદ્દ કરી દીધી હતી. પાલિકાની કાર્યવાહીને પડકારીને વાયકર બોમ્બે હાઇકોર્ટમાં ગયા હતા. ગત સપ્ટેમ્બરમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

અગાઉ આર્થિક ગુના શાખાએ પાલિકાના ગાર્ડન અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આ મામલાની તપાસ માટે નોટિસ મોકલી હતી.

વાયકર વર્ષ ૨૦૦૯થી સતત ત્રણ વખત જોગેશ્વરી (પૂર્વ)ના ધારાસભ્ય છે. તેઓ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે કેબિનેટ મંત્રી હતા.

થોડા દિવસ પહેલા એનસીપીના શરદ પવાર જૂથના રોહિત પવારને ત્યાં ઇડીએ દરોડા પાડયા હતા. આ સિવાય માજી મેયર કિશોરી પેડણેકરને   મની લોન્ડરીગ કેસમાં ઇડીએ પૂછપરછ માટે સમન્સ આપ્યા હતા.



Google NewsGoogle News