Get The App

લાપત્તા લેડીઝ ઓસ્કરમાંથી આઉટ, પણ યુકેની હિંદી ફિલ્મ સંતોષ શોર્ટલિસ્ટ થઈ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
લાપત્તા લેડીઝ ઓસ્કરમાંથી આઉટ, પણ યુકેની હિંદી ફિલ્મ  સંતોષ  શોર્ટલિસ્ટ થઈ 1 - image


2 વખત એકેડમી એવોર્ડ જીતનારાં ગુનિત મોંગાની   શોર્ટ ફિલ્મ અનુજા શોર્ટ  લિસ્ટ થઈ

આમિરે કહ્યું આ અંત નથીઃ લાપત્તા લેડીઝ સિલેક્ટ કરનાર જ્યૂરી પર પસ્તાળ,  ઓલ વી ઈમેજિન એઝ લાઈટ જ મોકલવા જેવી હતી તેવો સૂર

મુંબઈ :  ઓસ્કર એવોર્ડમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાયેલી 'લાપત્તા લેડીઝ' શોર્ટ લિસ્ટ થઈ નથી. આ ફિલ્મ આમિર ખાને બનાવેલી છે અને તેનું દિગ્દર્શન તેની એક્સ વાઈફ કિરણ રાવે કર્યું છે. બીજી તરફ ભારતના જ કલાકારો સાથે હિંદીમાં બનેલી પરંતુ યુકેની પ્રોડક્શન કંપનીની ફિલ્મ 'સંતોષ' શોર્ટ લિસ્ટ થઈ ચૂકી છે. આ ઉપરાંત બે બે વખત એકેડમી એવોર્ડ જીતી ચૂકેલાં ફિલ્મ સર્જક ગુનિત મોંગાની શોર્ટ ફિલ્મ 'અનુજા' પણ આ વખતે શોર્ટ લિસ્ટ થઈ છે. 

ઓસ્કર એકેડમી દ્વારા એવોર્ડઝની જાહેરાત આવતાં વર્ષે માર્ચમાં કરાશે. જોકે ,તે પહેલાં ડિસેમ્બરમાં શોર્ટ લિસ્ટનો રાઉન્ડ થતો હોય છે જેમાં દરેક કેટેગરીમાં ૧૫ ફિલ્મોનો સમાવેશ કરાતો હોય છે. આ શોર્ટ લિસ્ટેડ ફિલ્મોમાંથી જ અંતિમ વિજેતા જાહેર થાય છે.

શોર્ટ લિસ્ટ થયેલી હિંદી ફિલ્મ 'સંતોષ' બ્રિટિશ ઈન્ડિયન એક્ટર સંધ્યા સૂરીએ બનાવી છે. તેમાં ભારતની શહાના ગોસ્વામીની મુખ્ય ભૂમિકા છે.  ગુનિત મોંગાની શોર્ટ ફિલ્મ 'અનુજા'માં ગાર્મન્ટ ઈન્ડસ્ટ્રીમાં બાળ મજૂરોનાં શોષણની વાત છે.

ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મોકલતાં ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આમિર ખાનની કંપનીની 'લાપત્તા લેડીઝ' પસંદ કરી હતી.  તે વખતે જ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ જીતી ચૂકેલી પાયલ કાપડિયાની 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' કેમ પસંદ ન કરાઈ તે મુદ્દે ભારે પસ્તાળ પડી હતી. આજે પણ અનેક નેટ યૂઝર્સ  તથા કેટલાય ફિલ્મ સર્જકો દ્વારા ફિલ્મ ફેડરેશનની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. ફિલ્મ ચાહકોએ કહ્યું હતું કે 'લાપત્તા લેડીઝ' ભારતીય દર્શકોના ભાવજગતને ધ્યાન ેરાખીને બનાવાયેલી ફિલ્મ છે પરંતુ તેમાં કોઈ યુનિવર્સલ અપીલ નથી. 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' વધારે દમદાર ઉમેદવાર હતી. આ ફિલ્મ કાન ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ જીતી ચૂકી છે અને ગોલ્ડન ગ્લોબમાં પણ નોમિનેટ થઈ ચૂકી છે. 

આમિર ખાનની કંપનીએ 'લાપત્તા લેડીઝ' શોર્ટલિસ્ટ ન થઈ તે માટે નિરાશા વ્યક્ત  કરી હતી પરંતુ સાથે સાથે જણાવ્યું હતું કે આ કોઈ અંત નથી.

ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં  બ્રાઝિલની 'આઈ એમ સ્ટીલ હિઅર', કેનેડાની 'યુનિવર્સલ લેંગ્વેજ', 'ઝેક રિપબ્લિકની 'વેવ્ઝ', 'ડેન્માર્કની 'ધી ગર્લ વીથ ધી નીડલ', 'ફ્રાન્સની 'એમિલિયા પેરેઝ', જર્મનીની ધી સીડ ઓફ ધી સેક્રેડ ફિગ', આઈલેન્ડની 'ટચ'ઈટલિની 'વર્મિલિગો', લેટિવિયાની 'ફલો', નોર્વેની 'એરમાન્ડ', પેલેસ્ટાઈનની 'ગ્રાઉન્ડ ઝીરો', સેનેગલની 'ડેહોમી' તથા થાઈલેન્ડની 'બીફોર ગ્રાન્ડમા ડાઈઝ'નો સમાવેશ થાય છે.



Google NewsGoogle News