સોસાયટી નફામાંથી જ મનોરંજન પ્રવૃત્તિ યોજી શકે એ ખોટું અર્થઘટનઃ હાઈકોર્ટે

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
સોસાયટી નફામાંથી જ મનોરંજન પ્રવૃત્તિ યોજી શકે એ ખોટું અર્થઘટનઃ હાઈકોર્ટે 1 - image


હાઉસિંગ સોસાયટી નફો રળતી સંસ્થા નથી

સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સભ્યો પર ચાર્જ લાદવાના  ઠરાવને પડકારતી અરજી ફગાવી

મુંબઈ :  હાઉસિંગ સોસાયટી નફો રળનારી સંસ્થા નથી, એવી નોંધ કરીને બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે સોસાયટીના નફામાંથી જ સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિનું આયોજન કરવા ભંડોળ ઊભું કરી શકાય એવો અર્થ મોડેલ કોઓપરેટિંવ હાઉસિંગ સોસાયટી બાયલોઝ પરથી કાઢી શકાય નહીં.

હાઉસિંગ સોસાયટીની સામાન્ય સભામાં ૧૭ વર્ષ પૂર્વે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ફરજિયાત ચાર્જ વસૂલી કરવાના   પાસ કરાયેલા ઠરાવને પડકારતી અરજી ફગાવીને ન્યા. માધવ જામદારે જણાવ્યું હતું કે માણસ એ સામાજિક પ્રાણી છે એ સૌ જાણે છે. આથી હાઉસિંગ સોસાયટીઓે સામાજિક, સાંસ્કૃતિ અને મનોરંજન પ્રવૃત્તિઓ કરે એ જરૃરી છે. બાય લો ફાઈવ (ડી) ચોક્કસપણે આવી પ્રવૃત્તિઓને હાઉસિંગ સોસાયટીના હેતુમાંની એક ગણાવે છે.

મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ હેઠળ હાઉસિંગ સોસાયટીઝ અને અન્ય સોસાયટીઓ વચ્ચે ફરક હોવાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આથી સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે ભંડોળ વસૂલીને પરવાનગી હોવાનું ગણાવ્યું હતું. અરજદારે બાય લો ૧૪૮ ટાંકીને દલીલ કરી હતી કે સોસાયટીનો નફો જ આવી કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેના કોમન વેલફેર ફંડ માટે ફાળવવામાં આવે છે. બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે બાય લોનું આ રીતે અર્થઘટન કરી શકાય નહીં કે સોસાયટી પર સાંસ્કૃતિક ફંડ ઊભું કરવા અને યોગદાન એકઠું કરવા પર નિયંત્રણ છે અને આવું ફંડ સોસાયટીઅ ેકરેલા નફામાંથી જ ઊભું કરી શકાય છે.

આવો ચાર્જ વસૂલ કરવા પર એક જ શરત છે કે તે સોસાયટીની સામાન્ય સભામાં મંજૂર થયો હોવો જોઈએ અને કાયદાની જોગવાઈથી વિસંગત નહોવો જોઈએ, એમ હાઈ કોર્ટે ૨૫ સપ્ટેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું.

કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્ય જ્યોતિ લોહોકરે શ્રીજી વિલ્લે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની  મેનેજિંગ કમિટી સામે ૨૦૧૯માં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે સોસાયટી ચાર્જના કમ્પોઝિશન અંગેના બાય લો ૬૫ અનુસાર સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે ચાર્જ વસૂલવાની જોગવાઈ નથી અને આથી સોસાયટી દ્વારા વસૂલાતા ફરજિયાત ચાર્જ ગેરકાયદે છે.

સોસાયટીએ અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૦૬ની વાર્ષિક સામાન્ય સભામાં કાયદા અનુસાર સાંસ્કૃતિક ભંડોળને માન્યતા આપી હતી અને રૃ. ૭૦ પ્રતિ ફ્લેટ વસૂલવાની વાત થઈ હતી. થાણે કોઓપરેટિવ કોર્ટે માર્ચ ૨૦૧૯માં લોહોકરેની અરજી ફગાવી હતી. જૂન ૨૦૧૯માં રાજ્યની કોઓપરેટિવ એપલેટ કોર્ટે ચુકાદાને બહાલી આપી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે સોસાયટી વ્યક્તિઓનું સ્વાયત્ત સંગઠન છે જે સમાન જરૃરિયાતો અને વિચારોને લોકશાહી ઢબે  સંચાલિત એન્ટરપ્રાઈઝ છે અને સહકારી કાયદાના સિદ્ધાંતને અનુસરીને છે. સો જણની સોસાયટીમાંથી એક જણ ભંડોળનો વિરોધ કરે એ દુર્ભાગ્ય પૂર્ણ છે.


Google NewsGoogle News