મીરારોડના 10મું પાસ માસ્ટર માઇન્ડે યુપીમાં મેફેડ્રોન બનાવવાની તાલીમ લીધી
રૃા. 250 કરોડની ડ્રગ ફેકટરનો મુખ્ય સૂત્રધાર 'ડૉકટર' તરીકે ઓળખાતો
મુંબઇ, સુરત, સાંગલીથી અત્યાર સુધીમાં 10 આરોપીની ગેંગની ધરપકડઃ 252 કરોડનાં ડ્રગ ઉપરાંત 15 લાખ રોકડા, કાર , દાગીના પણ જપ્ત
મુંબઇ : મુંબઇ ક્રાઇમબ્રાન્ચે સાગલીમાં ડ્રગ ફેકટરીમાં દરોડા પાડી અત્યાર સુધીમાં એક મહિલા સહિત મુંબઇ, સુરત, સાંગલીથી ૧૦ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રુપિયા ૨૫૨ કરોડથી વધુ કિંમતના મેફેડ્રોનના જથ્થા ઉપરાંત રૃા.૧૫.૮૮ લાખની રોકડ રકમ, સોનાના દાગીના, કાર જપ્ત કરી છે. આ રેકેટનો મીરા રોડનો ૧૦મુ ધોરણ ભણેલો માસ્ટર માઇન્ડ 'ડૉકટર' તરીકે ઓળકાતો હતો તેણે ઉત્તર પ્રદેશમાં મેફેડ્રોન બનાવવાની તાલીમ લીધી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭ની પોલીસ ટીમે ગત ૧૬ ફેબુ્રઆરીના માહિતીના આધારે છટકું ગોઠવીને કુર્લા (પશ્ચિમ) સ્થિત ચેમ્બુર- સાંતાક્રુઝ લિંક રોડ પર સયાજી પગારે ચાળ પાસેથી એક મહિલા આરોપીને ૬૪૧ ગ્રામ મેફેડ્રોન સાથે પકડી હતી. તેણે નશીલો પદાર્થ વેચીને મેળવેલા રૃા.૧૨.૨૦ લાખ રોકડ રકમ અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન તેને મેફેડ્રોન મીરારોડના પ્રવિણ શિર્દેએ આપ્યું હોવાનું માલૂમ પડયું હતું. પછી મીરા રોડથી શિંદેને રૃા.છ કરોડના ત્રમ કિલો મેફેડ્રોન અને રૃા.૩.૬૮ લાખ રોકડ રકમ સામે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન ગુજરાતના સુરતમાં રહેતા બે શખસની સંડોવણીની જાણ થઇ હતી આ બંનેની ધરપકડ કરાઇ હતી.
આ ડ્રગ રેકેટનો માસ્ટર માઇન્ડ પ્રવિણ શિંદે સાંગલીના ઇરાળી ગામમાં ખેતરમાં ફેકટરીમાં મેફેડ્રોન બહનાવીને વેચતો હતો. આની જાણ થતા પોલીસે સાંગલીમાં ડ્રગ ફેકટરી પર છાપો માર્યો હતો. અહીં ૧૨૨.૫ કિલો મેફેડ્રોન મળ્યું હતું. એની કિંમત રૃા.૨૪૫ કરોડ હતી. પોલીસે સાંગલીના પાંચ ખેડૂત સહિત છ આરોપીને પકડયા હતા.
આરોપીઓએ ગામમાં દ્રાક્ષના ખેતરોથી ઘેરાયેલી ૧૨ એકર જમીન ખરીદી હતી.
મુખ્ય આરોપી શિંદે તેના સર્કલમાં 'ડૉકટર' તરીકે ઓળકાતો હતો. મૂળ સાંગલીના તાસગાંવના શિંદેનો જન્મ અને ઉછેર મીરારોડમાં થયો હતો. તેણે ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યોહતો. પરંતુ ડ્રગ બનાવવામાં માહેર હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં મેફેડ્રોન બનાવવાની તાલીમ લીધા બાદ શિંદેએ ઇરાળી ગામમાં ડ્રગ ફેકટર સ્થાપી હતી. શિંદે પોતે બનાવેલા મેફેડ્રોન માટે એક કિલોગ્રામ દીઠ રૃા.એક લાખ લેતો હતો. તેની પાસે મેફેડ્રોન વેચનારા ડ્રગ પેડલરનું નેટવર્ક હતું.
ફેકટરીમાંથી જપ્ત કરાયેલ મેફેડ્રોન ક્રિસ્ટલ સ્વરૃપમાં હતું તેને 'લેવિશ' પણ કહેવાય છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ સિન્ડિકેટ છેલ્લા સાત મહિનાથી સક્રિય હતું. પોલીસે સાંગલીની ફેકટરીમાંથી મેફેડ્રોન બનાવવાનો કાચો માલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી હતી.
નોધનિય છે કે અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટની તપાસ કરતી પુણે પોલીસે સાંગલીમાં દરોડા પાડીને રૃા.૩૦૦ કરોડનું મેફેડ્રોન કબજે કર્યું હતું.