મંત્રી શંભુરાજ દેસાઈએ રેસ્ટોરાંમાં દારુની મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટ વિફરી
ગ્રામ પંચાયતે કોઈ એનઓસી આપી નથી તો પ્રધાને હસ્તક્ષેપ કેમ કર્યો ?
પ્રધાન હોય એટલે જોહુકમી ન ચાલે : રહેણાંક વિસ્તારની રેસ્ટોરાંને દારુનું લાસન્સ રદ કરતા હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલ ફગાવાઈ
મુંબઈ : અમરાવતીમાં કાઠોરના રહેણાંક વિસ્તારમાં બાર અને રેસ્ટોરાંમાં દારૃ પીરસવા અપાયેલા લાયસન્સ રદ કરવાના અમરાવતી જિલ્લા કલેક્ટર અને એક્સાઈસ કમિશનરના નિર્ણયને ફેરવી નાખતા એક્સાઈસ પ્રધાન શંભુરાજે દેસાઈના છઠ્ઠી જુલાઈ ૨૦૨૩ના આદેશ સાથે સુપ્રીમ કોર્ટે સખતાઈથી અસંમતિ દર્શાવી છે.
ન્યા. પારડીવાલા અને ન્યા. ભૂયણની બેન્ચે શુભ રેસ્ટોરાંના માલિકે કરેલી અપીલને રદબાતલ કરીને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતે હજી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું નહોથી જ્યારે બે ઓથોરિટીએ રેસ્ટોરાંમાં દારૃનું લાયસન્સ ગેરકાયદે ઠેરવ્યું છ તેવામાં પ્રધાને હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી.
માત્ર તમે પ્રભાવશાળી છો અને પ્રધાન સુધી પહોંચ ધરાવો છો એનો મતલબ એમ નથી કે પ્રધાન જોહુકમી રીતે વર્તી શકે. નીચલી ઓથોરિટીના નિર્ણય સાથે પ્રધાને કોઈ નક્કર કારણ કે આધાર વિના શા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ? એમ જણાવીને કોર્ટે નાગપુર બેન્ચના આદેશ સામે કરાયેલી અપીલ ફગાવી દીધી હતી. રેસ્ટોરાં પાસે રહેતી મહિલા શિક્ષિકાએ ઓથોરિટીને ફરિયાદ કરી હતી કેમ કે રેસ્ટોરાંમાં પીરસાતો દારુ પીધા બાદ લોકો દ્વારા ધમાલ મચાવાતી હતી.
અમરાવતી કલેક્ટરે ગ્રામ પંચાયત પાસેથી અહેવાલ મગાવ્યો હતો જેમાં જણાવાયું હતું કે તેમણે નાહરકત પ્રમાણપત્ર આપ્યું નથી. આને આધારે કલેક્ટરે પાંચ મે ૨૦૨૧ના રોજ રેસ્ટોરાંનું લાયસન્સ રદ કર્યું હતું. એક્સાઈસ કમિશનરે પણ નિર્ણયને બહાલ રાખ્યો હતો. જગ્યાનો વ્યાવસાયિક ઉપયોગ કરવાની પણ પરવાનગી ગ્રામ પંચાયતે આપી ન હોવાની નોંધ કરાઈ હતી. આમ છતાં પ્રધાને નીચલી ઓથોરિટીએ આપેલા કારણમાં ખામી કાઢ્યા વિના નિર્ણયને રદબાતલ કર્યો હતો, એમ નોંધીને હાઈકોર્ટે એકસાઈસ કમિશનરના આદેશને રિસ્ટોર કર્યો હતો.