મંત્રી અબ્દૂલ સત્તારનો પોલીસને આદેશઃ કૂતરાંની જેમ મારો, હાડકાં તોડી નાખો
પોતાની બર્થ ડે પાર્ટીમાં ધમાલ થતાં મંત્રીએ માઈક પર ઉશ્કેરણી કરી
એક હજાર પોલીસ છે, આ 50 હજારને ફટકારી શકાયઃ લાવણી ડાન્સર ગૌતમી પાટિલના ડાન્સ વખતે ધમાલ બાદ મંત્રીની સૂચનાથી પોલીસનો લાઠીચાર્જ
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારના માઈનોરિટી મિનિસ્ટર અબ્દુલ સત્તારે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મતવિસ્તાર સિલ્લોડમાં ગૌતમી પાટીલના નૃત્યના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જોકે આ દરમિયાન અમુક લોકોએ કાર્યક્રમમાં તોફાન મચાવતા સત્તાર ભડક્યા હતા અને ગુસ્સામાં સ્ટેજ પરથી માઈકમાં જાહેરમાં લોકો વિશે હલકી ભાષામાં ટિપ્પણી કરી અપશબ્દોનો ઉપયોગ કરતા સત્તાર સામે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ વિરોધ પક્ષોએ પણ સત્તારને આડે હાથો લઈ આવા અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ સત્તારની આલોચના કરી હતી.
અબ્દુલ સત્તારનો ગઈકાલે જન્મદિવસ હોવાથી તેમણે તેમના સિલ્લોડ મતદાર સંઘમાં લાવણી આર્ટીસ્ટ ગૌતમી પાટીલના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગૌતમી આવવાની જાણ થતામાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉમટી પડયા હતા. આમાંથી અમુક લોકોએ તોફાન મચાવવાનું શરૃ કર્યું હતું અને ચાલુ કાર્યક્રમમાં ઉભા થઈ ગયા હતા.
આ દ્રશ્ય જોઈ સત્તાર ભડક્યા હતા અને માઈક હાથમાં લઈ તોફાન કરનારાઓને શબ્દો વડે ફટકાર્યા હતા. સત્તારે આ સમયે માઈકમાંથી એનાઉન્સમેન્ટ કરતા લોકો વિશે હલકી ભાષામાં ટિપ્પણી કરી હતી અને અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. આ સમયે સત્તારે ત્યાં હાજર પોલીસને તોફાનીઓ પર લાઠીમાર કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે આ લોકોને કૂતરાની જેમ મારો, મારી- મારીને તેમની કમર ભાંગી નાંખો.
અહીં એક હજાર પોલીસનો બંદોબસ્ત છે તો ૫૦ હજાર લોકોને મારવામાં ક્યાં વાંધો છે. સત્તારના આદેશ બાદ પોલીસે તોફાનીઓ પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.
અબ્દૂલ સત્તારે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને જે રીતે પોલીસને બળપ્રયોગનો આદેશ આપ્યો તેની ભારે ટીકા થઈ છે. વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે સત્તારે પોતે જે પ્રકારની નીતિરીતિ ધરાવે છે તેમાં આ પ્રકારનો વર્તાવ અને ભાષા બરાબર છે અને શિંદે સરકાર તથા ભાજપને પણ આ પ્રકારના વર્તાવનો કોઈ વાંધો હોય તેમ લાગતું નથી.
કોંગ્રેસે જણાવ્યુ ંહતુ ંકે રાજ્યના એક મંત્રી ગેંગસ્ટરની ભાષા બોલી રહ્યા છે પરંતુ મુખ્યપ્રધાન તેમની સામે પગલાં ભરે તેવું લાગતું નથી.
મંત્રી ઉવાચઃ તારા બાપે આવો કાર્યક્રમ જોયો છે ? તું શું માણસની ઔલાદ છે ?
જન્મદિવસના કાર્યક્રમમાં ગૌતમી પાટીલની હાજરીમાં લોકો તોફાને ચડતા અબ્દુલ સત્તારે અત્યંત હલકી ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સત્તારે સ્વયં માઈક હાથમાં લઈ પોલીસને તોફાનીઓ પર લાઠીમાર કરવા જણાવ્યું હતું. સત્તારે માઈક પરથી પોલીસને કહ્યું હતું કે 'ઐ પોલીસવાલે પાછળ તોફાન કરતા લોકો પર લાઠીમાર કરો.... તેમને એટલું મારોને તેમના હાડકાં ભાંગી જાય. આ સાથે જ કાર્યક્રમમાં વચ્ચે ઉભા થયેલ એક વ્યક્તિને સંબોધતા સત્તારે કહ્યું હતું કે 'એ નીચે બેસી જા, તારાબાપે જોયો હતો કે આવો કાર્યક્રમ, તુ શું રાક્ષસ છે કે? તમે બધા માણસની ઔલાદ છો તો માણસની જેમ વર્તો.' તેવું કહેતા જોવા મળ્યા હતા.સત્તારનો વીડિયો પણ વિવિધ ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.