નવી મુંબઇ અને પનવેલ વિસ્તારમાં રવિવારે સવારે હળવો ભૂકંપ
- ધરતીના પેટાળમાંથી ઘરઘરાટીનો અવાજ
- રિક્ટર સ્કેલમાં 2.9 ની તીવ્રતા : લોકોમાં ગભરાટ ફેલાયોઃ કલાકો બાદ મહાપાલિકાએ જાહેર કર્યું કે એ તો ભૂકંપ હતો
મુંબઇ : નવી મુંબઇ અને પનવેલ વિસ્તારમાં આજે સવારે ધરતીના પેટાળમાંથી ઘરઘરાટીના અવાજ સાથે હળવા ભૂકંપને લીધે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ધરતીકંપની તીવ્રતા ૨.૯ની નોંધાઇ હતી.
ધરતી ધુ્રજી ઉઠતા શું થયું છે એ જાણવા ગભરાયેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડમાં ફોનનો મારો ચલાવ્યો હતો. જો કે ભૂકંપની જાણકારી મેળવવામાં સરકારી અધિકારીઓને કલાકો લાગ્યા હતા. ઠેઠ બપોરે સિસ્મોલોજી ઓફિસમાંથી માહિતી મેળવી પનવેલ મહાપાલિકાના કમિશનર ગણેશ દેશમુખે જાહેર કર્યું હતું. આ હળવો ભૂકંપ હતો. તેનાથી જરા પણ નુકસાન થયું નથી.
પનવેલની ખાડી પાસેનો વિસ્તાર ભૂકંપના પટ્ટામાં આવતો હોવાથી આ વિસ્તારના લોકોએ ધરતી કંપની વધુ અસર અનુભવી હતી. પનવેલ મહાપાલિકાએ આપેલી માહિતી અનુસાર સવારે ૯.૫૦ના સુમારે હળવો ભૂકંપ થયો હતો.
આ વિસ્તારમાં ફોલ્ટલાઈન છે પરંતુ તે લાંબા સમયથી નિષ્ક્રિય જ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રના હિંગોલીમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.