મિહિર શાહને વધુ રિમાન્ડ ન અપાતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
મિહિર શાહને વધુ રિમાન્ડ ન અપાતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો 1 - image


વરલી હીટ એન્ડ રનના આરોપી મિહિરના મદદગારો શોધવાના બાકી

મિહિરની બીએમડબલ્યૂમાં ઈન્શ્યોરન્સ પણ રિન્યૂ  કરાવાયો ન હતો, પીયુસી, બ્લેક ફિલ્મના કાયદાઓનો પણ ભંગ  

મુંબઈ :  વરલી હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહને શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી છે. મિહિર શાહ પાલઘરના શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર છે.

પોલીસે મિહિરની પોલીસ કસ્ટડી લંબાવા માટે રજૂઆત કરી હતી કે કારની નંબર પ્લેટ હજી મળી નથી. તેની શોધ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમ જ આરોપીએ  વાળ અને દાઢી કારમાં જ કાપી નાખ્યાનું કારણ પણ જાણવાનું બાકી છે. આરોપીને કોણે મદદ કરી તેની તપાસ કરવાની બાકી છે. 

સુનાવણી દરમ્યાન પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે મિહિર જે કાર ચલાવતો હતો એ બીએમડબ્લ્યુ કારમાં યોગ્ય ઈન્શ્યોરન્સ નહોતું અને પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ પણ નહોતું. કાળા કાચ લગાવાયા હોવાથી મોટર વ્હીકલ્સ એક્ટની સંબંધીત કલમો લાગુ કરવામાં આવી છે.

બચાવ પક્ષે મિહિરને અદાલતી કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરી હતી કેમ કે સાત દિવસમાં પોલીસે પરિવાર અને ડ્રાઈવરના નિવેદનો નોંંધ્યા છે જે મેચ થયા છે. રિમાન્ડ અરજીમાં જણાવાયું છે કે તેમને કપડા મળ્યા છે, ૨૭ નિવેદનો નોંધ્યા છે અને બીયરનું કેન પણ મળ્યું છે. પોલીસ નંબર પ્લેટ શોધવા માગે છે પણ તેમણે જણાવ્યું છે કે આગળની નંબર પ્લેટ ગુમ છે, તેમની પાસે વાહનનો નંબર તો છે જ.

વરલીમાં સાત જુલાઈના રોજ પરોઢિયે ૫.૩૦ વાગ્યે  મિહિર શાહ બીએમડબ્લ્યુ કારની અડફએટે સ્કૂટર પર જઈ રહેલા પ્રદીપ નખવા અને કાવેરી નખવાને અડફેટે લીધા હતા. બંને વરલીમાં માછલી વિક્રેતા હતા તેઓ માછલી ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પ્રદીપ કારની ટક્કર થી ફંગોળાયો હતો જ્યારે કાવેરી બોનેટમાં  અટકી જતાં તેને દોઢ કિ.મી. સુધી ઘસડી જવાઈ હતી. કથિત દારુના નશામાં રહેલા શાહે ડ્રાઈવર રાજરિશી બિદાવત સાથે સિટ બદલી નાખી હતી અને કાવેરીને કારમાંથી બહાર કાઢીને ગાડી રિવર્સ લેતી વખતે ફરી એક વાર તેના પરથી કાર ચડાવીને નાસી ગયા હતા. કાવરેનું મોત થયું હતું.


Google NewsGoogle News