મિહિરે 1 નહીં 2 સ્થળે મિત્રો સાથે 12 પેગ દારુ પીધો હતો
મિહિરે પોતે અકસ્માત સર્જ્યો હોવાનું કબૂલતાં કહ્યું, મારી ભૂલ થઈ ગઈ
ડ્રાઈવર પાસેથી બળજબરીથી કારની ચાવી આંચકી લીધી હતી, બારમાં ખોટી વય દર્શાવતું આઈકાર્ડ આપ્યું હતું
મુંબઇ : વરલી બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસની તપાસમાં પોલીસને નવી નવી માહિતી મળી રહી છે. મુખ્ય આરોપી અને શિવસેના નેતાના પુત્ર મિહિર શાહે અકસ્માત અગાઉ એક નહી પરંતુ બે બારમાં દારૃ પીધો હોવાનું કહેવાય છે. તેણે અને તેના મિત્રોએ વ્હિસ્કીના કુલ ૧૨ પેગ ગટગટાવ્યા હતા અને બાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા, મિહિરે ડ્રાઈવર પાસેથી બળજબરીથી કારની ચાવી લીધી હતી અને પોતે પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી. મિહિરે પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે.
વરલી હિટ એન્ડ રન કેસના આરોપી મિહિર શાહે પોતાનો ગુનો કબૂલ કરતા મારાથી ભૂલ થઇ ગઇ છે, મને આ ઘટના માટે અફસોસ છે એમ પોલીસને પૂછપરછમાં જણાવ્યું હોવાનું કહેવાય છે. પોલીસે મિહિર અને તેના ડ્રાઇવરને એકબીજા સામે બેસાડીને પૂછપરછ કરી હતી. દરમિયાન મિહિર અને ડ્રાઇવરે અકસ્માતના ગુનાની કબૂલાત કરી લીધી હતી. એક્સિડેન્ટ વખતે મિહિર જ કાર ચલાવતો હતો.
જૂહુના બારમાં આરોપીએ તેની ઉંમર ૨૭ વર્ષ હોવાનું આઇડેન્ટીકાર્ડ દર્શાવી ખોટું બોલીને દારૃ પીધો હતો. મિહિર અને તેના મિત્રો વ્હિસ્કીના ૧૨ જેટલા મોટા પેગ ગટગટાવી ગયા હતા.
વરલીમાં રવિવારે વહેલી સવારે ૫.૩૦ કલાકે મિહિર શાહે (ઉં.વ. ૨૪)એ સ્પીડમાં કાર દોડાવીને સ્કૂટરને પાછળથી ટક્કર મારતા કાવેરી નાખવા (ઉં.વ. ૪૫)નું મૃત્યુ થયું હતું. તેનો પતિ પ્રદિપ ઘાયલ થયો હતો. અકસ્માત વખતે કારમાં મિહિર સાથે ડ્રાઇવર રાજઋષિ બિદાવતા પણ હતો. આ ઘટના બાદ બંને કારમાં નાસી ગયા હતા. આરોપી મિહિરના પિતા રાજેશ શાહ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં પદાધિકારી હતા. તેમણે પણ પુત્રને ભાગવામાં મદદ કરી હતી. પોલીસે રાજેશ, ડ્રાઇવરની ધરપકડ બાદ વિરારથી મિહિરને ઝડપી લીધો હતો.
હિટ એન્ડ રન વખતે મિહિર દારૃના નશામાં હોવાના મજબૂત પુરાવા પોલીસને મળ્યા છે. શનિવારે સાંજે મિત્રો સાથે મિહિર જૂહુના બારમાં ગયો હતો. ૨૫ વર્ષ કરતા ઉંમર વધુ હોવાનું દર્શાવી દારૃ પીવા ૨૩ વર્ષીય મિહિરે બનાવટી આઇડેન્ટીકાર્ડ દર્શાવ્યું હોવાનું કહેવાય છે, આઇડેન્ટી કાર્ડમાં તેની ઉંમર ૨૭ વર્ષ હોવાનું દાખવવામાં આવ્યું હતું. આમ આરોપીએ પચ્ચીસ વર્ષ પૂર્ણ ન હોવા છતાં ખોટું બોલીને બારમાં હાર્ડ ડ્રિન્ક પીધું હતું.
મિહિરે તેના મિત્રો સાથે ૧૨ જેટલા મોટા પેગ પીધા હતા. પ્રત્યેક ચાર પેગ લીધા હતા. આટલો દારૃ પીધા બાદ કોઇપણ વ્યક્તિ અંદાજે આઠ કલાક નશામાં હોઇ શકે છે. અહી ૧૮ હજારથી વધુ બિલ ચૂકવવામાં આવ્યું હતું. જૂહુના બારમાંથી મિહિર મર્સિડિઝ કારમાં બોરીવલી મિત્રોને છોડવા ગયો હતો. તેણે બોરીવલી અને મલાડ વચ્ચે અન્ય એક બારમાં પણ દારૃ પીધો હોવાનું કહેવાય છે.
બીએમડબલ્યુ કારમાં ડ્રાઇવર સાથે મિહિર પાછો જોય રાઇડ માટે આવ્યો હતો. ગિરગાવ ચોપાટી પાસે મિહિરે ડ્રાઇવર પાસેથી બળજબરીથી કાર ચલાવવા ચાવી માગી હતી. અકસ્માતની ચોક્કસ માહિતી મેળવવા પોલીસની તપાસ ટીમ વહેલી સવારે ઘટનાસ્થળે ગઇ હતી તેમણે ક્રાઇમ સીન રિક્રિએટ કર્યું હતું.