મિહિરે ઓળખ છૂપાવવા ચાલુ ગાડીએ જ વાળ કાપ્યા અને દાઢી કરી હતી
વરલી અકસ્માતના આરોપી મિહિરને ૧૬ જુલાઈ સુધી પોલીસ કસ્ટડી
જીવલેણ અકસ્માત સર્જ્યા બાદ ગર્લફ્રેન્ડને 40-40 ફોન કર્યા હતા રિક્ષામાં ગોરેગામ ગર્લફ્રેન્ડના ઘરે 2 કલાક આરામ કર્યો
બહેન બોરીવલી ઘરે લઈ ગયા બાદ પરિવાર શહાપુર રિસોર્ટ ચાલ્યો ગયો, ત્યાંથી વિરારના ઘરે ગયો અને મિત્રની ભુલથી પકડાયો
મુંબઈ : વરલી હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહને શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૬ જુલાઈ સુધી પોલીસ કસ્ટડી આપી છે. કારની નંબર પ્લેટ ગુમ કરાઈ હોવાથી તેની શોધ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમ જ આરોપીએ ઓળખ છુપાવવા વાળ અને દાઢી કારમાં જ કાપી નાખ્યાની માહિતી પણ પોલીસે કોર્ટને આપી હતી. આરોપીને કોણે મદદ કરી તેની તપાસ કરવાની બાકી હોવાથી આરોપીને વધુને વધુ કસ્ટડી આપવાની માગણી પોલીસે કોર્ટમાં કરી હતી.
કોર્ટમાં પોલીસની દલીલ
ગુનો આચર્યા બાદ નંબર પ્લેટનો નિકાલ કયાં કર્યો તથા તેને ભાગી જવામાં કોણે મદદ કરી તેની પણ માહિતી નથી આપતો. કાર કોની છે અને તેને કોણે વાપવા આપી તેની તપાસ પણ કરવાની જરૃરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીના પિતાએ અકસ્માતનો મુખ્ય પુરાવો રહેલી કાર છુપાવવાનો પ્રયાસ કર્યાનું તપાસમાં જણાયું છે. આરોપી કોઈ પણ સ્તરે જઈ શકે છે. કોર્ટમાં સહાનૂભૂતિ મેળવવા આરોપી પ્રયાસ કરી રહ્યો છે.તેની પાસે ડ્રાઈવિંહ લાયસન્સ છે કે નહીં એ પણ તપાસવાનું બાકી છે, એમ પોલીસે કસ્ટડી માટે જોરદાર દલીલ કરી હતી.
બચાવ પક્ષે કરેલી દલીલ
બીજી તરફ બચાવ પક્ષ વતી દલીલ કરાઈ છે કે આમાંનો એક આરોપીને મંગળવારે હાજર કર્યો હતો. આરોપી પાસેથી તપાસમાં સહકાર્ય કરવામાં આવી રહ્યું છે. તપાસ ૯૫ ટકા માહિતી અને પુરાવા પોલીસને મળ્યા છે અમે કોઈ પુરાવાને નુકસાન કર્યું નથી. આરોપીના લોહીના નમૂના લેવાયા છે. મિહિર અને કારના ડ્રાઈવરની સામસામે પૂછપરછ થઈ છે. તેનો ફોન પણ જપ્ત કરાયો છે. તેને ઘટનાસ્થળે લઈ જઈને સંપૂર્ણ ઘટનાક્રમ જણાવ્યો છે. ડ્રાઈવર અને મિહિરનો જવાબ સરખો જ આવ્યો છે. આથી મિહિરની કસ્ટડીમાં રાખવાનું કોઈ સબળ કારણ નહોવાની દલીલ કરવામાં આવી હતી.
મિહિર શાહ દારુના નશામાં પૂરપાટ ગાડી ચલાવીને વરલીની એસ્ટ્રીયા મોલ પાસે કાવેરી નામની ૪૫ વર્ષીય મહિલાને અડફેટે લઈને તેનું મોત નીપજાવ્યું હોવાનો પોલીસનો આરોપ છે. અકસ્માત બાદ આરોપી નાસી ગયો હતો અને બે દિવસ બાદ પોલીસે શાહપુરથી વિરાર પહોંચેલા મહિરની ધરપકડ કરી છે.
અકસ્માત બાદ મિહિર ક્યાં ક્યાં ગયેલો?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના પાલઘર ખાતેના જિલ્લા પ્રમુખ રાજેશ શાહનો પુત્ર ઘટના બાદ ફરાર થયો હતો. અકસ્માત બાદ તેણે પહેલાં તેની પ્રેમિકાને ૪૦ ફોન કર્યા હતા. ત્યાર બાદ બાંદરા કલાનગર પાસે કાર છોડી અને ંનબર પ્લેટ કાઢી લીધી હતી. ઓટો રિક્ષામાં તેની ગર્લફ્રેન્ડના ઘરે ગોરેગામ ગયો હતો. અહીં બે કલાક આરામ કર્યા બાદ ગર્લફ્રેન્ડેે મિહિરની બહેનને ઘટનાની જાણ કરતાં તેની બહેન ગોરેગાવ આવીને તેને બોરીવલી તેના ઘરે લઈ ગઈ હતી. અહીંથી શાહની માતા મીના અને બે બહેનો પૂજા અને કિંજલ અને મિત્ર અવદીપ શહાપુરમાં રિસોર્ટ માટે રવાના થયા હતા. અહીં તેઓ પોલીસથી છુપાઈ રહ્યા હતા.
મિત્રે ૧૫ મિનિટ માટે ફોન ચાલુ કરતાં ખેલ ખતમ
સોમવારે રાત્રે શાહ વિરાર તેના પરિવારનાઘરે રવાના થયો અને બીજા દિવસે સવારે તેના મિત્ર અવદીપે તેનો ફોન ૧૫ મિનિટ માટે ચાલુ કરતાં તેનું લોકેશન ટ્રેસ થયું અને શાહની ધરપકડ થઈ શકી હતી. તેની સાથે માતા, બે બહેનને પણ તાબામાં લીધી હતી અને મિત્રને પણ તાબામાં લીધો હતો. મિહિરની ગર્લફ્રેન્ડની પણ પોલીસ પૂછપરછ કરી શકે છે કેમકે તેની સાથે અકસ્માત વિશે શું માહિતી શેર કરી એ જાણવાની જરૃર છે. ગર્લફ્રેન્ડને મળ્યો અને વાતો કરી ત્યારે મિહિરે દારુ પીધો હતો કે નહીં એનીપણ જાણકારી મળી શકે છે.
ઘટના શું બની હતી?
વરલીમાં સાત જુલાઈના રોજ પરોઢિયે ૫.૩૦ વાગ્યે મિહિર શાહ બીએમડબ્લ્યુ કારની અડફએટે સ્કૂટર પર જઈ રહેલા પ્રદીપ નખવા અને કાવેરી નખવાને અડફેટે લીધા હતા. બંને વરલીમાં માછલી વિક્રેતા હતા તેઓ માછલી ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પ્રદીપ કારની ટક્કર થી ફંગોળાયો હતો જ્યારે કાવેરી બોનેટમાં અટકી જતાં તેને દોઢ કિ.મી. સુધી ઘસડી જવાઈ હતી. કથિત દારુના નશામાં રહેલા શાહે ડ્રાઈવર રાજરિશી બિદાવત સાથે સિટ બદલી નાખી હતી અને કાવેરીને કારમાંથી બહાર કાઢીને ગાડી રિવર્સ લેતી વખતે ફરી એક વાર તેના પરથી કાર ચડાવીને નાસી ગયા હતા. કાવરેનું મોત થયું હતું.