મુંબઈ પાસે ખાલાપુરમાં ફેક્ટરીમાંથી વધુ 218 કરોડનું મેફેડ્રોન જપ્ત
ચાર દિવસ પહેલાં 107 કરોડનું મેફેડ્રોન મળ્યું હતું
મુંબઇ : મુંબઈ નજીક રાયગઢમાં ગત ચાર દિવસમાં પોલીસે બે ફેક્ટરી પર દરોડા પાડી રૃ. ૩૨૫ કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરતા ચકચાર જાગી છે. અગાઉ રૃ. ૧૦૭ કરોડના મેફેડ્રોન મળી આવવાના કેસમાં પકડાયેલા આરોપીએ આપેલી માહિતીના આધારે વધુ રૃ. ૨૧૮ કરોડનું મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું હતું.
આરોપીએ આપેલી માહિતીના આધારે હોનાડ ગામની ફેક્ટરી પર દરોડો પાડી ૧૭૪ કિલોગ્રામ ડ્રગ જપ્ત કરાયું
યુવા પેઢી નશીલા પદાર્થની લતમાં ગરકાવ થઈ રહી છે. મુંબઈ, રાયગઢ, નાશિક, પુણે, સિંધુદુર્ગ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું હોવાથી પોલીસ સતર્ક બની ગઈ છે. પોલીસ સતત ડ્રગ ફેક્ટરી પર છાપો મારીને કરોડો રૃપિયાનો નશીલો પદાર્થ જપ્ત કરી રહી છે.
રાયગઢના ખોપોલી નજીક ઢેકુ ગામમાં ગત અઠવાડિયે પોલીસે કેમિકલ કંપનીમાં માહિતીના આધારે દરોડો પાડયો હતો. ફેક્ટરીમાં ત્રણ ડ્રમમાંથી ૮૫.૨ કિલો મેફેડ્રોન મળ્યું હતું. પોલીસે આ કંપની સીલ કરી દીધી હતી. કંપનીમાંથી કમલ જેસવાણી (ઉં. વ. ૪૮), મલિન શેખ (ઉં. વ. ૪૫), એન્થોની કરીકુટ્ટીકરની ધરપકડ કરાઈ હતી.
તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિડ સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીઓ પાસેથી અંદાજે રૃ. ૧૦૭ કરોડનું મેફેડ્રોન મળ્યું હતું. માર્કેટમાં એક કિલો મેફેડ્રોનની કિંમત રૃ. ૧.૨૫ કરોડ છે.
પોલીસે આરોપી એન્થોનીની પૂછપરછ કરી હતી. દરમિયાન તેણે વધુ મેફેડ્રોનની માહિતી આપી હતી.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રવીણ પવારે પત્રકારોને જણાવ્યું હતું કે 'આરોપી એન્થોનીએ આપેલી માહિતીના આધારે ખાલાપુરના હોનાડ ગામમાં એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો. અહીં સાત બેરલમાંથી ૧૭૪.૫ કિલોગ્રામ મેફેડ્રોન રાખવામાં આવ્યું હતું.
કોર્ટે આરોપીને ૧૪ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. આથી તેમની પૂછપરછ દરમિયાન ડ્રગ રેકેટમાં વધુ ચોંકાવનારી માહિતી મળી શકે છે.
રાયગઢથી ફેક્ટરીમાં બનેલા મેફેડ્રોનના દરિયાઈ માર્ગે વિદેશમાં દાણચોરી
કેમિકલ કંપનીના નામથી નશીલો પદાર્થ બનાવવાના કેસ વધી ગયા
મુંબઈ ઃ રાયગઢની ફેક્ટરીમાં બનાવવામાં આવતો ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે વિદેશમાં મોકલવામાં આવતો હતો, એવી માહિતી પણ આરોપીઓ પાસેથી મળી હતી. તેઓ વિદેશમાં કોની મદદથી મેફેડ્રોનની દાણચોરી કરતા હતા એની માહિતી પોલીસ મેળવી રહી છે.
બીજી તરફ રાયગઢ, નાશિક, રત્નાગિરી અને મહારાષ્ટ્રના અન્ય સ્થળે કેમિકલ કંપનીના નામથી નશીલા પદાર્થ બનાવવાના ગુના ઘણા વધી રહ્યા છે. આથી હવે પોલીસે આવી કંપની પર નજર રાખવાનું ચાલું કર્યું છે. આ પ્રકારના ગુનાનાની જાણ થાય તો પોલીસે માહિતી આપવાની અપીલ કરવામાં આવી છે.
એમઆઇડીસી પરિસરમાં કંપનીના માલિકને પણ સતર્ક રહેવાનું જણાવવામાં આવ્યું છે. ઘણી વખત કંપનીના માલિકની જાણ બહાર આ પ્રકારના ગુના બનતા હોય છે.
અગાઉ ડ્રગ માફિયા લલિત પાટીલ અને અન્ય આરોપીઓને પકડવામાં આવ્યા હતા. નાશિકની ડ્રગ ફેક્ટરીમાં પાટીલની સંડોવણી હતી.
આ સિવાય રાયગઢમાં દરિયામાં ડ્રગના પેકેટ મળી આવ્યા હતા.