એપ દ્વારા દિવાળી સફાઈ માટે બોલાવેલા માણસો ૪ લાખના દાગીના સાફ કરી ગયા
દહિસરની ગૃહિણીને એપ દ્વારા બૂકિંગનો કડવો અનુભવ
બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજના આધારે એકની ધરપકડઃ અન્ય બેની પૂછપરછઃ નો બ્રોકર એપ દ્વારા પોલીસ વેરિફિકેશન થયું હતું કે કેમ તેની તપાસ
મુંબઇ : મુંબઇના પશ્ચિમી પરાં- દહિંસરમાં રહેતી ૫૫ વર્ષની મહિલાને દિવાળીની સાફસફાઇ માટે ઓનલાઇન એપ પર દ્વારા ક્લિનિંગ ટીમ બોલાવવામાં કડવો અનુભવ થયો હતો. સફાઇ માટે આવેલા બે માણસોઘરની સાફસફાઇ કરવાની સાથે જ ઘરમાં મૂકેલા ચાર લાખ ની કિંચમતના સોનાના દાગીનાની પણ સાફ કરી ગયા હતા. જોકે, બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ધરપકડ થઈ છે જ્યારે અન્ય બેની પૂછપરછ કરાઈ છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર દહિસરની ઋષિકેશ સોસાયટીમાં રહેતી લીના મ્હાત્રેએ દિવાળીના તહેવારની તૈયારી માટે ૨૧ ઓક્ટોબરના રોજ નો- બ્રોકર એપ પરથી ઓનલાઇન સાફસફાઇના કામ માટે બે વ્યક્તિઓને બુક કર્યા હતા. બીજા દિવસે સવારે બે વ્યક્તિ મ્હાત્રેના ઘરે સાફસફાઇના કામ માટે આવી પહોંચ્યા હતા. આ લોકોએ સાફ-સફાઇનું કામ પતાવ્યું હતું અને તેઓ નીકળી ગયા બાદ મહિલાએ ઘરનું કબાટ ખોલ્યું ત્યારે તેમાથી સોનાના દાગીના ગુમ હોવાનું જણાયું હતું.
સફાઇ કામગારો ગયા પછી મ્હાત્રેને ચોરી થઇ હોવાની જાણ તથા તેમણે તરત જ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીઓએ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરી ૨૭ વર્ષીય અરબાઝ ખાનની ધરપકડ કરી હતી. જેની ઓળખ ચોરીના શંકાસ્પદ તરીકે કરવામાં આવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી પોલીસે અન્ય બે વ્યક્તિઓ સંતોષ યાદવ અને સુફિયાન નઝીર અહમદ સૌદરની ઓળખ કરી તેમને પૂછપરછ માટે તાબામાં લીધા હતા.
આ ઘટના બાદ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા સાફસફાઇ આદિ માટે થતી કર્મચારીઓની ભરતી સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઇ ગયું છે. તદુપરાંત આવા માણસોની વિશ્વસનીયતા અને સામાન્ય માણસની સલામતી પણ જોખમમાં મૂકાઇ છે.
આ ઘટના બાદ પોલીસે આ તપાસ હાથ ધરી છે કે શું નો- બ્રોકર એપ દ્વારા કર્મચારીઓની ભરતી પહેલા આ લોકોનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કર્યું હતું કે નહીં? કોઇ પણ એપ અથવા કંપનીએ સફાઇકર્મચારીઓ સહિત અન્ય કર્મચારીઓને નોકરી પર રાખતા પહેલા આવા કર્મચારીઓની પોલીસ ચકાસણી કરવી જોઇએ જે અત્યંત જરૃરી છે તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.