ભાગેડુ જાહેર કરવા સામેની મેહુલ ચોકસીની અરજી હાઈકોર્ટે ફગાવી

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ભાગેડુ જાહેર કરવા સામેની મેહુલ ચોકસીની અરજી હાઈકોર્ટે ફગાવી 1 - image


પંજાબ નેશનલ બેન્ક સાથે 14500 કરોડની છેંતરપિંડીના કેસમાં નિર્ણય

ઈડીએ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી એવી મેહુલ ચોકસીની દલીલનો અસ્વીકાર મેહુલને ભાગેડુ જાહેર કરવા બાબતે નીચલી કોર્ટના ચુકાદા પરનો સ્ટે ઉઠાવાયો

મુંબઈ :  મેહુલ ચોકસીએ પોતાને ભાગેડુ જાહેર કરવા માટેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીના વિરોધમાં કરેલી પિટિશન બોમ્બે હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. 

રાષ્ટ્રીયકૃત પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૪, ૫૦૦ કરોડની છેંતરપિંડી કરવાના કૌભાંડમાં મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે. 

જસ્ટિસ સારંગ કોટવાલની સિંગલ બેન્ચે મેહુલ ચોકસીની પિટિશન ફગાવતાં જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાયેલી અરજીમાં કોઈ કચાશ જણાતી નથી. 

હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે એક તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીમાં કોઈ કચાશ કે ખામી વર્તાતીનથી. બીજું કે,  ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટની કલમ ચાર તથા ત્રણ મુજબ જે પણ અનિવાર્ય જરુરિયાતો હોવી જોઈએ તે તમામ એન્ફોર્સમેન્ટની અરજીમાં સંતોષાતી હોવાનું જણાય છે. 

મેહુલ ચોકસીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ઈડીની અરજીમાં પ્રોસીજરને લગતી સંખ્યાબંધ ખામીઓ છે. 

ચોકસીને ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની અરજીની પોતે સુનાવણી હાથ ધરશે તેવા એક વિશેષ કોર્ટે ગત ઓગસ્ટ ૨૦૧૯માં આપેલા આદેશને મેહુલ ચોકસીએ હાઈકોર્ટમાં આ અરજી દ્વારા પડકાર્યો હતો. ઈડીએ જુલાઈ ૨૦૧૮માં મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી  તેની સંપત્તિઓ જપ્ત કરવાની પરવાનગી માગી હતી. 

ચોકસીએ દાવો કર્યો હતો કે આ અરજીઓ પહેલાં કેટલીક પ્રોસીજરનું અનુપાલન કરવાનું હોય છે. પરંતુ, ઈડીએ તેવું કર્યું નથી આથી તેની અરજી ટકી શકે તેમ નથી. 

પરંતુ, હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ઈડીની અરજી ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ  એક્ટ માં જે પ્રારુપ અપાયું છે તે પ્રમાણેની જ છે. 

જસ્ટીસ કોટવાલે નોંધ્યું હતું કે આ એક્ટની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ રીતે જણાવાયું છે કે આ કાયદો વિદેશમાં રહીને ભારતીય અદાલતોના ન્યાયક્ષેત્રની બહાર વસવાટ કરી ભારતીય કાયદાની પ્રક્રિયાનો સામનો કરવાનું ટાળતા આર્થિક ભાગેડુ ગુનેગારોને રોકવાનો છે. 

હાઈકોર્ટે ગત જાન્યુઆરી ૨૦૨૦માં સ્પેશ્યલ કોર્ટ દ્વારા આખરી ચુકાદા સામે મનાઈહુકમ ફરમાવ્યો હતો. પરંતુ, હવે હાઈકોર્ટે આ સ્ટે ઉઠાવી લીધો છે.



Google NewsGoogle News